રાવણદહન અને ગાંધીજયંતીની વચ્ચેના દીવસની વાત….

રાવણદહન અને ગાંધીજયંતી વચ્ચેના આજના આ દીવસે બન્નેને સાંધનારી કડી તે રામ ! એકનો મારક અને બીજાનો તારક !!

રાવણે રામને બહુ મોટી પ્રસીદ્ધી અપાવી હતી. રામનું રામત્વ બીજા બહુ અંશો થકી ઓળખાયું હોવા છતાં રાવણત્વના વીનાશ નીમીત્તે તે દશેરાને ઉત્સવ બનાવી મુકનારું બની ગયું છે ! દશેરાને નોરતાની માળાનો મેરુ બનવાને બદલે એક સ્વતંત્ર ઉત્સવનીમીત્ત બનાવે છે.

ગાંધીજીનું ગાંધીત્વ પણ, બીજા બહુ અંશો થકી ઓળખવાનું હોય છતાં રામનામના રટણે રામને એક અનેરું સ્થાન આપનાર છે. દાસીએ ભળાવેલું રામનામ ગાંધીને જીવનનાં એક પછી એક પગથીયાં ચડીને જગતઈતીહાસની એક ટોચ ઉપર પહોંચાડનારું બની ગયું હતું.

રામને એમણે દાશરથી રામ કરતાંય એક જુદી જ ભુમીકા આપીને આપણી સમક્ષ ધાર્મીકતાને પણ નવું પરીમાણ આપ્યું એમ કહેવાનો સંકોચ નથી.

રાવણ અને ગાંધી એ બે છેડાંની વચ્ચેના આજના આ વચલા દીવસે વીચારવા બેસીએ તો પાર ન આવે તે સાચું પણ એ બેની વચાળે બેસવાનું આપણું ગજું પણ નહીં એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો. એટલે, આજના દીવસે, ગઈકાલે રાવણને સળગાવ્યાનો  ભ્રમ અને આવતીકાલના ગાંધીના જન્મદીને લેવા જોઈતા સંકલ્પોમાંની છલના   

આ ભ્રમ અને છલના વચ્ચે જ અટકું.

– જુગલકીશોર.

કૃષ્ણતત્ત્વ ગર્ભ દરમીયાન કે પછી ?

સહયોગીઓ !

આજે એક મુંઝવણભર્યો સવાલ મુકી રહ્યો છું –

“કૃષ્ણતત્ત્વ માતાના ગર્ભમાં જ પ્રવેશ્યું હતું કે જન્મ બાદ બાળકના શરીરમાં પ્રવેશ્યું હશે ?”

આપણે સૌ કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ. આપણી કથાઓમાં અવતારોના જન્મ પહેલાં એમના અવતાર અંગે સુચનાઓ મળતી રહી હોય તેવાં વર્ણનો મળે છે. માતાનું  સ્થાન લેનારી સ્ત્રીઓને પણ એની જાણ કેટલાક કીસ્સાઓમાં થઈ હોવાનું જાણવા મળે છે.

કૃષ્ણજન્મ અંગે જ ફક્ત  નહીં પણ દેવકીનું આઠમું સંતાન કંસધ્વંસ કરશે તેવી આગાહી ખુદ કંસ સમક્ષ થયેલી છે જ. સાત સંતાનોના નાશ પછીનું સંતાન અવતારકૃત્ય કરવાનું હોવાની જાણ પણ દેવકીને છે જ. 

આના સંદર્ભે હવે મને જે સવાલો થાય છે તે આ –

૧) સામાન્ય રીતે ગર્ભના ત્રણ માસ પછી તેમાં જીવન શરુ થાય છે. અને એ જીવમાં સુક્ષ્મ શરીર + આત્મતત્ત્વ બન્ને હોય તેવું કહેવાય છે. વળી, ભૌતીક શરીર માતાપીતાનાં સ્થુળ તત્ત્વો (શુક્ર–રજ) વડે બંધાતું હોઈ તેમાં અવતાર લેનારનો કોઈ સ્થુળ અંશ હોઈ શકે નહીં. અર્થાત્ ઈશ્વરી તત્ત્વ તો જીવ સાથે જ સંબંધ ધરાવનાર ગણાય. 

૨) હવે જો ત્રીજા મહીના બાદ જીવનતત્ત્વ પ્રવેશ્યું તો દેવકીને એના કોઈ અનુભવો થયાની બાબત ક્યાંય નોંધાઈ છે ખરી ? સામાન્ય નારીને પણ બાળક પેટમાં હોય ત્યારે ઘણા સારાનરસા અનુભવો થતા જ હોય છે તો દેવકીના કોઈ અનુભવો નોંધાયા છે ? (જૈન અવતારોમાં ત્રિશલાદેવીના અનુભવો બહુ જાણીતા છે)

૩) એમ જો ન હોય અને “બાળકના જન્મ બાદ” જેલમાં જન્મી ચુકેલા બાળકના શરીરમાં અવતારી તત્ત્વ પ્રવેશ્યું હશે ? (કારણ કે બહાર આવ્યા પહેલાં ગર્ભમાં જ દીવ્યતત્ત્વ પ્રવેશી ચુક્યું હોય તો દેવકીને અનુભવ ન થાય તેમ બને નહીં…કારણ કે સાધારણ નારી પણ અનુભવતી હોય જ છે.) 

મારી વીનંતી છે કે આપનામાંથી કોઈને પણ આ અંગેની આધારભુત માહીતી હોય તો મને જણાવીને ઉપકૃત કરશો.

– જુગલકીશોર.

પ્રજા–આંદોલનની દીશા નહીં, દશા ! (૪)

પ્રજા–આંદોલન – (૪) :                                                      – જુગલકીશોર.

 

બીજા આંદોલનનો પ્રથમ તબક્કો પુરો થયો ! રામલીલા મેદાનમાં થયેલા છેલ્લા આંદોલનને બીજું આંદોલન કહીશું કારણ કે પહેલું આંદોલન તો અણ્ણાજી અને રામદેવજીના આંદોલનના તબક્કે થયું તે. બીજા તબક્કા પહેલાં રામદેવજીમાં જે ભુલો રહી તેને કારણે સત્તાપક્ષ જીતી ગયેલો લાગ્યો. બીજા તબક્કામાં તો સત્તાપક્ષે ભુલોની પરંપરા સર્જીને અર્ધું આંદોલન ગુમાવી દીધું હતું. ત્રણ–ચાર પ્રધાનોએ કરેલા બેફામ વાર્તાલાપો, આક્ષેપો અને ઉપવાસ શરુ થાય તે પહેલાંની ધરપકડ વગેરેએ દેશને જગાડી દીધો.

આ બીજા આંદોલનના હવે પછીના તબક્કે જે થવાનું હતું તેની શરુઆત થઈ ચુકી છે. એક બાજુ ઉપવાસ સંકેલાયા; બીજી બાજુ અણ્ણાજી સારવારે ગયા; ત્રીજું ૧૩ દીવસ પછીની શાંતીનો નાનકડો ગાળો પસાર થઈ ગયો; ચોથું, સત્તાપક્ષે આંદોલનના સુત્રધારો સામે તોપો માંડી દીધી છે ! અને પાંચમું તે અણ્ણાજી અંગે ગમેતેમ બોલનારને, (તેણે માફી માંગીને ભુલ કબુલ કરી હતી તેને) પાછા સમીતીમાં લઈ લીધા છે !!

લોકસભા–રાજ્યસભામાં જે કુલડીમાં ગોળ ભંગાયો તે તત્કાલ ઉપવાસ છોડાવવાની તરકીબ હતી. ઉપવાસનું કોઈ અનીષ્ટ પરીણામ આવે તો શું થાય ?ની ચીંતાને કારણે સૌએ પોતાની પ્રકૃતીને એકબાજુ મુકીનેય ઠરાવ પસાર થવા દીધો. મુખ્યા કામ પતી ગયું છે.

હવે જે થશે તેમાં આ દેશની ખાસીયત મુજબ બધું ઠરીઠામ કરી દેવાશે. હવે આંદોલનકારીઓની સામે તોપો મંડાશે. બેચાર સારા નીર્ણયો પ્રજાને ગમે તેવા કદાચ લેવાઈ જશે. લોકપાલ મુદ્દે ગુજરાતનો દાખલો લઈને ભાજપને ભીડાવી શકાશે. સમીતી પોતાનું ઠાગાઠૈયાકાર્ય રાબેતા મુજબ કર્યા કરશે. બીલ પસાર કરવાની કાર્યવાહીને અક્ષમ્ય લંબાણ આપી દેવાશે. કાર્યવાહી ચાલુ હોઈ વીરોધ થઈ શકે નહીં એવું પણ બને !

ટુંકમાં પ્રજા–આંદોલન બીજા તબક્કામાં ગયા પછી હવે કોઈ તબક્કો જ ન આવે અને આ તબક્કો જ બીજો અને છેલ્લો બની રહે એવી કોઈ રસમ અપનાવાઈ જાય તેવી પુરી શક્યતા હોઈ કેવળ “જોયા કરવા” સીવાય કશું કરવાની જરુર ખરી ? એવો સવાલ મુકીને અહીં (હાલ તરત તો) અટકી જવાનું ગનીમત નથી શું ? સમય તક આપશે તો ( આ તકની શક્યતા પુરેપુરી હોઈ આ નીરાશા નથી, ફક્ત અલ્પવીરામ છે) આગળ વધીશું, બાકી અત્યારે તો આટલે જ –

‘નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન !’ (પ્રજા–આંદોલન : ૩)

લક્ષ્ય અને લક્ષ–ક્ષમતા.                                                                  – જુગલકીશોર.  

લક્ષ્ય એટલે નીશાન, ટાર્ગેટ, હેતુ. લક્ષ એટલે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરુરી કાળજી, જાગૃતી, ધ્યાન રાખવું કે ચૌકન્ના રહેવું તે. 

ગાંધીજીએ દેશમાં આવીને સૌ પ્રથમ કાર્ય ગોખલેજીના સુચન મુજબ દેશનો પ્રવાસ કરવાનું કર્યું. આ પ્રવાસ એ એમના આવી રહેલા આંદોલનકાર્યોના આયોજન માટેનું હોમવર્ક હતો. આ એક વરસનું દેશભરનું તેમનું પર્યટન એટલે આવનારાં આંદોલનોના આયોજન માટેની પુર્વભુમીકા ! આંદોલનો પુરા અભ્યાસ વીના કરાય નહીં તે સુચન આ પ્રવાસમાંથી આપણને સાંપડે છે. 

આંદોલનની બીજી અત્યંત મહત્ત્વની બાબત બાપુએ કહી ને કરી બતાવી તે માગણી અંગેની ચોક્ક્સાઈ સહીતની પ્રામાણીકતા. જેમની સામે આંદોલન કરવાનું છે તેમને સૌ પ્રથમ તો પોતાની વાજબી માગણીઓથી વાકેફ કરવાના હોય છે. માગણી પણ પુરતો અભ્યાસ કરીને કરવાની હોય છે. એનો ઉત્તમ દાખલો અમદાવાદના મજુરોની હડતાલમાં જોવા મળે છે. ગાંધીજીએ અમદાવાદના મીલમજુરોના પગાર નીમીત્તે હડતાલ પાડી તેની પહેલાં મોંઘવારી અંગેની સંપુર્ણ તપાસ કરાવીને, એને પુરેપુરી સમજી લઈને કેટલું મળવું જોઈએ તેની તટસ્થ ગણતરી કરી હતી. આંકડો તો યાદ નથી પણ જે રકમ નક્કી થઈ તેમાં થોડો ઉમેરો કરીને થોડી વધુ રકમની માગણી કરવાની ભલામણ કેટલાક સાથીઓએ કરી ત્યારે ગાંધીજીએ બહુ મજાની વાત કરેલી. આંદોલન કરવાનું છે તે તપાસ કરીને પછી યોગ્ય માગણીનું જ કરવાનું હોય છે. આંદોલન કે સત્યાગ્રહમાં બાંધછોડનો અર્થ આપણી જ શક્તીમાં આપણો અવીશ્વાસ ! શા માટે બાંધછોડ ? પુરી તપાસ કરીને કરાયેલી માગણી જ મુકવાની હોય અને તેટલી જ લેવાની હોય, નહીં વધુ, નહીં ઓછી. 

માગણી મુકાઈ હોય તેના કરતાં વધુ લેવું એટલે લક્ષ્ય બાબતે આપણી અપ્રામાણીકતા અને ઓછું સ્વીકારવું એટલે આપણા આત્મવીશ્વાસને અને લોકોને છેતરવા !! 

આંદોલનની પહેલાં તેના હેતુઓ નક્કી થઈ જવા જોઈએ અને પછી એ હેતુને (લક્ષ્યને) વફાદાર રહેવું જોઈએ. એને માટે આંદોલનકારીઓનું લક્ષ ચુકાવું ન જોઈએ. લક્ષ બે રીતનાં હોય. એક તો માગણી અંગેની સ્પષ્ટતા અને બીજું આંદોલનમાં કોઈ અન્ય તત્ત્વો ઘુસી જઈને આપણા લક્ષ્યને કે લક્ષને ચળાવી ન મુકે તે. આગળના લેખમાં કહેલું તેનું અહીં પુનરાવર્તન કરીને કહું તો આંદોલન કરનાર પોતે આંદોલીત ન થઈ જાય કે કોઈની શેહમાં ન આવી જાય અને પોતાનું લક્ષ કેવળ અને કેવળ નક્કી કરેલા લક્ષ્ય તરફ જ રાખે. કારણ કે આંદોલન એ કોઈ રમત નથી. એની શરુઆત કરનાર એકલદોકલ હોય પણ તેમાં જોડાનારાં હજારો ને લાખો હોય છે. વળી એનો લાભ પણ મોટા વર્ગને મળવાનો હોય છે. તેથી આંદોલનકારી વ્યક્તી પોતે આંદોલીત થઈ ન જાય તે જોવાનું રહ્યું. 

આ રીતે જોઈએ કોઈ પણ આંદોલનને પોતાનું આગવું લક્ષ્ય હોય જ. હેતુ વીના કોઈ આંદલન થાય નહીં અને થાય તો તે લગભગ તોફાનકક્ષાની જ કોઈ પ્રવૃત્તી ગણાય. શાંત જળમાં કોઈ પથરો નાખે ને જેમ કુંડાળાં થાય તેવી જ રીતે કોઈ સામુહીક પ્રવૃત્તી શરુ થઈ જાય તેમ બને. પણ એ કુંડાળાંને કોઈ પ્રવૃત્તીનું નામ આપી શકાતું નથી. 

આવાં કુંડાળાં પણ જુદીજુદી જગ્યાનાં જુદાંજુદાં હોય છે. પાણીનો જથ્થો કુવામાં, સરોવરમાં, નદીમાં અને સાગરમાં જુદીજુદી જાતનો હોય છે. કુવા ને સરોવરમાં ખાસ તો કદની જુદાઈ હોય છે, જ્યારે નદીમાંનો પાણીનો જથ્થો અને સાગરમાંનો જથ્થો અલગ ભાતનો હોય છે. નદીને તો વહેવાનું જ લક્ષ્ય હોઈ એમાં તરંગો ઉત્પન્ન કરવા જતાં કુંડાળાં થાય તેય ક્ષણીક ને તુટક તુટક હોય. એને કુંડાળાં – આંદોલન – કહેવાં હોય તોય ન કહી શકાય. સાગર તો પોતે જ સતત આંદોલીત હોય છે. એમાં પથરો નાખવાની ચેષ્ટા ચાઈલ્ડીશ જ કહેવાય. એનો કોઈ હેતુ તારવી શકાય નહીં. 

સમાજ–જળની શાંતી રામરાજ્યમાં હતી તે એક પ્રકારની અને સરમુખત્યારોના રાજ્યોમાં હોય છે તે જુદા પ્રકારની ગણવાની હોય છે. ભારત જેવા લોકશાહી દેશમાં તો સ્વરાજ્યની પ્રાપ્તી જ લોહીલુહાણ હતી. સ્વાતંત્ર્ય માટેની ચળવળ અહીંસક કહી શકાય તેવી ખરી પણ અહીંસાના માર્ગે મળેલી સ્વંત્રતાના આરંભે જ દેશને હીંસાનો એરુ આભડી જવાથી લોકશાહીરાજ્યનું ઉદ્ઘાટન હીંસાની રીબીન ‘કાપી’ને થયેલું ! અને ૬૪ વરસ દરમીયાન જે લોકશાહી ‘વ્યવસ્થા’ રહી તેમાં બાપુએ સેવેલી રામરાજ્યની કલ્પનામાંથી પ્રજાનું ધીમેધીમે પણ મક્કમ ગતીએ અવમુલ્યન થતું રહ્યું. લોકશાહીમાં લોકના ‘પ્રતીનીધીઓ’ સર્વોચ્ચ ગણાતા થયા. “લોકોએ જ” ઘડેલું બંધારણ સર્વોચ્ચ ગણાવાને બદલે પ્રતીનીધીઓ સર્વોચ્ચ અને સર્વેસર્વા ગણાવા માંડ્યા. આ પ્રતીનીધીઓ પોતાને તો સર્વોચ્ચ કહેવડાવી શકે નહીં તેથી લોકસભાને આગળ કરીને એની આડશે પોતે જ સર્વોચ્ચ બની રહ્યા. 

આ આખી પરીસ્થીતી પોતાને રામરાજ્ય કે લોકશાહી રાજ્ય કહેવડાવવામાંથી સદંતર ગઈ. ગરીબીને આપણો પ્રાણપ્રશ્ન ગણીને આઝાદીના આરંભથી જ એનાં કારણો ને ઉપાયો માટે સમીતીની સમીતીઓ નીમાતી જ રહી. પંચવર્ષીય યોજનાઓમાંય એને સ્થાન મળ્યું પણ ઉપાયો ફક્ત વીચારવાનો જ મુદ્દો રહ્યા…એના અમલીકરણ તરફ ધ્યાન રખાયું જ નહીં. ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં ‘ગરીબી હટાવો’નો નારો ચુંટણીઓ જીતવાનો એક કારસો માત્ર બની ગયો ! ગરીબી તો આજેય જેમની તેમ છે; હા, ગરીબો હટ્યા ખરા કુપોષણ, અન્યાય કે આત્મહત્યાઓ દ્વારા ! 

ખરેખર તો ગરીબી હટાવ કરતાંય મોટી જરુરીયાત નીરક્ષરતા હટાવવાની હતી. દેશની બહુમતીને અભણ રાખીને દેશના સંચાલકોએ બહુ મોટી સફળતા લણી લીધી. આજ સુધી – સાડા છ દાયકા પછી પણ – તંદુરસ્તીથી જીવતી રહેલી આ દેશની પ્રજાની નીરક્ષરતાએ રાજકીય લાભો અંકે કરી આપ્યા છે. અભણપણું, બેકારી, હલકાં મનોરંજન, વર્ગવીગ્રહો, જ્ઞાતી ને જાતીના ભેદભાવો વગેરે બધાં જ અનીષ્ટો રાજકીય લાભો ખાટવા માટેની બારીઓ બની રહ્યાં છે. જેને આપણે ‘અનીષ્ટો’ કહીએ તે ખરેખર તો રાજકીય નેતા નામની નવી ઉભી થયેલી જ્ઞાતી માટે ફળાઉ ઝાડ છે ! આ અનીષ્ટો જે દીવસે હટશે તે દીવસ રામરાજ્યના આરંભનો હશે એવું આશ્વાસન લઈ શકાય. 

આંદોલનોની સફળતા કે નીષ્ફળતા ઘણી વાર છેતરામણી હોય છે. સફળ થયું લાગતું આંદોલન ખરેખર સફળ થયું છે કે એ માત્ર સફળતાનો વહેમ છે તેની ખબર બધાંને બધી વખત પડતી નથી !! 

અસ્તુ.

આંદોલન કરવું અને અનુભવવું. (૨)

પ્રજા–આંદોલન : (૨)                                                              – જુગલકીશોર.

આંદોલન કરવું અને અનુભવવું એ બન્ને અલગ બાબતો હોવા છતાં એક જ સાથે બનતી હોય છે અને તે એકબીજામાં એટલી હળીમળી ગયેલી હોય છે કે જુદી પાડવી મુશ્કેલ બની રહે છે. આંદોલન કરનારા એકાદ–બે જ હોય છે પણ એમાં આંદોલીત થનારા લાખ્ખો હોય છે.

‘આંદોલીત થયેલાઓ’ ક્યારેક એટલી હદે એમાં ઈન્વોલ્વ થયેલા હોય છે કે તેઓ પોતાને ‘આંદોલનકર્તા’ માની શકે છે. આવું માનવું તે સાવ સહજ અને સાચું હોય છે. તેમાં કોઈ અતીશયોક્તી કે કશું અજુગતું ગણાય નહીં.

એવી જ રીતે આંદોલનકર્તા પણ આંદોલનને ‘અનુભવતા’ રહીને એમાં તટસ્થ રહેવાને બદલે ઈન્વોલ્વ થઈ જાય છે તેથી આંદોલનનું સંચાલન કરતાં કરતાં ભુલો પણ કરી બેસે છે !

ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગાંધીજી એકલા આંદોલનકર્તા નહોતા. ઐતીહાસીક રીતે જોઈએ તો એમના આવ્યા પહેલાં આંદોલન હતું જ. પણ ગાંધીજીએ એને જે નવો વળાંક આપ્યો, આંદોલનની જે નવી થીયરી આપી, એને માટેની જે પદ્ધતી આપી તેણે કરીને તેઓ એકમેવ નેતા બની શક્યા એટલું જ નહીં પણ એમનાથી મોટી ઉંમરના અને અનુભવીઓ પણ એમની ‘સાથે’ થયા ! ગાંધીજીએ નેતૃત્વ સંભાળ્યું પછી તેઓ એટલા બધા જાગ્રત રહ્યા હતા કે નાનીનાની બાબતોનેય ચકાસીને, અનેકને બતાવીને, સાધનશુદ્ધી કે લક્ષ્યશુદ્ધીને સતત નજર સમક્ષ રાખીને નીર્ણયો કરતા. કોઈનાથી ભાગ્યે જ દોરવાયા હશે.

લક્ષ્યશુદ્ધી (અર્જુનની જેમ પક્ષીની આંખ જ જોવી) જેમ ખુબ જરુરી હોય છે તેમ સાધનશુદ્ધી (આંદોલનની પદ્ધતી અને માર્ગો) પણ એટલી જ જરુરી હોય છે. મુસ્લીમોની બાબતે કે દલીત બાબતે એમની વાતોને જુદે રસ્તે વાળવાના પ્રયત્નો થયા ત્યારે તેઓ દુઃખી થયા છે પણ એમણે લક્ષ્યચુક થવા દીધી નથી. હીન્દના ભાગલા એ એમના શરીરનાં બે ઉભાં ફાડીયાં કરવા જેવી વાત હતી. આવા સમયે તેમને જે દુઃખ થયેલું તે સાધનશુદ્ધીના ભંગનું હતું. લક્ષ્ય તો સીદ્ધ થયું પણ “ગઢ તો આલા, મગર સીંહ ગેલા !” જેવું થયું હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો સમય આવ્યો ત્યારે તેઓ નોઆખલીમાં હતા ! તેમની વેદનાની ખુબી જુઓ…લક્ષ્યપ્રાપ્તી થયા છતાં એને માણવાનો સમય કે વૃત્તી તેમની પાસે નહોતાં !!

આંદોલનના કર્તા અને સંચાલક હોવા છતાં તેઓ આંદોલન‘થી’ આંદોલીત થયા નથી ! તેઓ જ્યારે પણ ‘આંદોલીત થયા હશે ત્યારે તે ‘વાતને ઉંધે પાટે ચડાવવાને લીધે’ થયા છે. અહીંસા સાધન છે. સત્ય લક્ષ્ય છે. એમણે સત્યની જેટલું જ મહત્ત્વ અહીંસાને આપીને સાધનશુદ્ધીનું ગૌરવ અને એનો આગ્રહ બન્ને રાખ્યાં છે.

આપણા દેશે જે જે આંદોલનો જોયાં છે તેને આ દૃષ્ટીએ જોવાં જેવું છે. ચોરીચૌરાની એક ભુલ થતાં એમણે આખા દેશની વીરુદ્ધ જઈને ચળવળ પાછી ખેંચી હતી એટલું જ નહીં પોતે સમાજની નાડ પારખી નહીં હોવાની વાતને “હિમાલયન બ્લંડર” કહી છે !! આઝાદી પછીનાં આંદોલનો વખતે થયેલાં ખુન વખતે કોણે કોણે ને કેટલો પસ્તાવો કર્યો છે તેનો હીસાબ કરી શકાશે ?!

અણ્ણાજીના આ આંદોલનમાં “ભ્રષ્ટાચાર” અને “જનલોકપાલ બીલ” એ બે જુદાં જુદાં લક્ષ્યો હતાં એવું કહેવાય છે. પણ ભ્રષ્ટાચારને જ લક્ષ્ય માનીએ તો લોકપાલ બીલ તો લક્ષ્યસીદ્ધીનું પ્રથમ પગથીયું જ ગણાય. મોંઘવારી નાબુદી કે બીજાં હજાર કામો પણ ભ્રષ્ટાચાર વીરુદ્ધની જ બાબતો છે. એટલે, આવી ઝીણીઝીણી ચકાસણી ન થાય તો તેવે સમયે લોકોમાં મુંઝવણ થાય. આંદોલનમાં અરાજકતા ફેલાય. (અને આંદોલનવીરોધીઓને તો એ જ કરવું હોય છે !!)

દેશના આબાલવૃદ્ધ સૌ કોઈ અણ્ણાજી સાથે થયા, રહ્યા અને સૌથી મોટી વાત તે અહીંસક રહ્યા તેનું મહત્ત્વ તો જેટલું આંકીએ એટલું ઓછું જ છે. ઉપવાસ વધુ ચાલ્યા હોત તો કોઈ ને કોઈએ તો આગનું ડુંભાણું કર્યું જ હોત !! દેશના અનુભવીઓને આ વાતની ખબર હતી. લોકસભામાં પણ વીરોધીઓ અને સત્તાધીશોની અનુભવી સુઝને કારણે એમણે બહુ સારપથી આ શક્યતાને બુઠ્ઠી કરી નાખી.

આંદોલનનો પ્રથમ હપ્તો પુરો થયો. “આંદોલનકાર” તો ક્યારેય ઢીલા પડવાના નથી પરંતુ “આંદોલીત’ થનારાંઓ”નું એટલું ખાત્રીપુર્વક કહી શકાશે ખરું ?!!

પ્રજા–આંદોલન : (૧)

વાતાવરણને આંદોલીત કરવાનું ધર્મકાર્ય                          – જુગલકીશોર.

આંદોલન શબ્દ પોતે જ બતાવે છે કે તેનું કામ વાતાવરણને આંદોલીત કરવાનું છે. 

છ દાયકાથી ને ખાસ કરીને આત્માના અવાજને બહાને પોતાનાઓને જ છેહ દેવાની શરુઆત થઈ (નવાઈ તો એ છે કે આ મહાકાર્ય ગાંધીના શતાબ્દી વર્ષમાં જ થયું જેણે ‘ગાંધી’ અટકનું અવમૂલ્યન કર્યું !) ત્યાર બાદ ભ્રષ્ટાચારને કોઈ કરતાં કોઈ છોછ ન રહ્યો.

સમાજના પ્રશ્નોમાં ફક્ત વધારો થતો ગયો એટલું જ નહીં પણ એ પ્રશ્નોએ ડઠ્ઠરતાની ઉંચાઈઓ સર કરવા માંડી. પાંચ વર્ષે આવતી ચુંટણીઓમાં લોકવીશ્વાસ હતો તે ગયો. ને ખાસ કરીને પક્ષોના ગઠબંધનથી રચાતી સરકારોએ તો પ્રશ્નોને વકરાવી મુક્યા. લોકોને નહીં પણ આગેવાન ગણાતા લોકોને હાથમાં લઈને જે પીરામીડ બનતો ગયો તેમાં ઉપર રહેનારા માણસોની સંખ્યા પીરામીડના નીયમ મુજબ ઓછી હોવા છતાં એમના મસલ્સ અને મનીપાવરના વજનથી પીરામીડનો નીચલો થર દબાતો ગયો. એટલો બધો દબાયો કે બોલી પણ ન શકે એટલો ગુંગળાઈ ગયો !

આ બધાંની વચ્ચે ધર્મના નામે બાપુઓ–ગુરુઓએ પણ હાટડીમાંથી કોર્પોરેટ કક્ષાના મૉલ ખોલી નાખ્યા. ચેનલોએ એમાં પણ ફાળો આપ્યો. મીડીયાની તાકાત ‘સૌને’ ખ્યાલમાં આવી ગઈ ! ફક્ત લોકો જ એ સમજી ન શક્યા ! લોકોને ટીવીની ઘેન ચડાવનારી ચુઈંગગમ આપીને બેહોશ (કે મદહોશ ?) કરી દેવાયા.

કેટલાક પોતાને બુદ્ધીજીવી કે બુદ્ધીવાન કહેવા લાગ્યા ને સુધારા કરાવવાની સાથે સાથે સદીઓથી જેણે લોકશિક્ષણ કર્યું છે તેવા ધર્મને, અંધશ્રદ્ધાનું નામ આગળ કરીને, જે દોષીત નહોતો તે ભગવાનનેય સપાટામાં લઈને દેશવટો આપ્યો !! આ બુદ્ધીવાન લોકોએ, લોકોની સાચી વાતનુંય સમજ્યા વગર અવમુલ્યાંકન કરી નાખ્યું. બાકી હતું તે શિક્ષણમાં પણ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. આમ સમાજના સૌથી મોટા અને મહત્ત્વનાં અંગોને એરુ આભડી ગયો.

આવા ગુંગળામણના સમયે જ્યારે કોઈ એકલદોકલ માણસ તાકાત બતાવીને સમુહને આકર્ષે તો એનીય કેવળ બુદ્ધી વડે ટીકા કરીને વીઘન નાખવાની રસમો થતી રહી. તાટસ્થ્ય એ કોઈ બુદ્ધીવાદનો ઈજારો નથી. અભણ માણસ પણ ખરા અર્થમાં તટસ્થ રહી શકતો હોય છે. આવા કહેવાતા અભણ માણસોએ સદીઓથી જે તાટસ્થ્યપુર્ણ વ્યવહારો આચર્યા છે તેમાંથી શીખવા જેવું ઘણું છે. 

ઉપવાસ સાવ શુદ્ધ હોઈ શકે કે કેમ તે પ્રશ્ન છે. ગાંધીજીના ઉપવાસો ‘પોતાના’ માણસોની ભુલો માટેના પ્રાયશ્ચીતના હતા. એટલે તે ઉપવાસો જાત માટેના જ કહેવાય. છતાં ક્યારેક એમાંય ત્રાગું  હોય તેવું લાગ્યા વીના રહેતું નથી. એટલે અણ્ણાજીએ કરેલા ઉપવાસને લેસર ઈવીલનો લાભ આપીનેય સમજવાની જરુર તો છે જ. રામ ભગવાન કહેવાય પણ ધનુષ્યને માફ કરી ન શકાય. ને છતાં જ્યારે અહીંસા શોધાઈ ન હોય તેવા સમયે એને હીંસક હથીયાર કહેવાને બદલે એક માત્ર હાથવગો ને અસરકારક  ઉપાય કહેવો ખોટો નહીં. “ઉપવાસો ન હોત તો જાડી ચામડી અણ્ણાને ગણકારેત ખરી ?” એવા સવાલની આડશ લઈને હું એને અવગણતો નથી છતાં જે થયું તેમાં આ ત્રાગાંનેય ન્યાય આપવામાં વાંધો નહીં એવી કામચલાઉ સમજણ ચલાવી લેવી રહી, બીજું શું ?!

અણ્ણાજી ભગવાન નથી. તેઓ ગાંધી પણ નથી (ને ગાંધી પણ ભગવાન નથી); છતાં ૬૫ વરસ સુધી કોઈ માયના લાલે જે નહોતું કર્યું તે કામ એમણે ૭૪ની ઉંમરેય કરી બતાવ્યું એને દાદ દેવાનું  તો ઘેર ગયું, પણ એને ખણખોદવું કે નીંદવું એમાં આપણી બૌધીક સ્થીતીનું પ્રદર્શન થતું જણાય છે. 

સૌને સલામ સાથે, જય આંદોલન !

અગત્યનું નીવેદન

 

મારા બ્લોગ ‘NET–ગુર્જરી’ના વાચકો (આમ તો ‘ક્લીકર્સ’ !)ની કુલ સંખ્યા આજકાલમાં ૫૦,૦૦૦ પર પહોંચશે. નેટ પરના કેટલાક બ્લોગ્સની લાખ્ખોની સંખ્યાની સરખામણીએ આ આંકડો તો સાવ નગણ્ય જ છે, છતાં લગભગ કેવળ ભાષાકર્મે વ્યસ્ત એવા મારા બ્લોગને માટે આટલી ક્લીક ઘણી કહેવાય.

 

NET–ગુર્જરી પર પ્રગટ થયેલા ભાષા–વ્યાકરણ–સાહીત્યના અનેક વીષયોની લેખમાળાઓએ ઘણા બ્લોગર્સને ઉપયોગી માહીતી આપી છે. છંદ, જોડણી, સોનૅટ, હાઈકુ, કેટલુંક વ્યાકરણ વીષયક વગેરે અંગેનાં લખાણોથી બ્લોગ પર ઘણાને ખુબ જ લાભ મળ્યો છે એવું એમના દ્વારા જણાવાયું પણ છે. આ બ્લોગ NET–ગુર્જરીને એ રીતે વાચકોએ યશ આપીને મારા આ શ્રમને સાર્થક કર્યો છે. કેટલાક કાવ્યસર્જકોને તો છંદમાં લખવાનો છંદ પણ લગાડી શકાયો છે.

 

એક વાત બહુ મજાની થઈ છે તે, કેટલાક બ્લોગર્સના બ્લોગ પરની વ્યાકરણની ભુલો મેં સાર્થ જોડણીકોશ મુજબ સુધારીને એમને વ્યક્તીગત રીતે ઈ–મેઈલથી જણાવ્યું તો તેમણે સસ્નેહ અને સાભાર તે ભુલોને વધાવીને તત્કાલ સુધારી પણ લીધી છે. કેટલાય બ્લોગ હવે જાગૃતીપુર્વક વ્યાકરણનો ખ્યાલ રાખે છે. (અલબત્ત, આ જાગૃતીનો યશ હું લઈ શકું નહી, લેવા માગતો પણ નથી.)

 

આ બધી બાબતોનો અત્યંત સંતોષ છે. બ્લોગીંગ નવું નવું શરુ કર્યું ત્યારે ગુજરાતી ભાષાના પ્રચારનો અને શુદ્ધ ભાષા માટેની તાલાવેલી જાગે તે માટેનો ધખારો મારા મનમાં હતો. આજેય છે. ગુજરાતી ભાષાનો પ્રસાર વીદેશોમાં વસતાં ગુજ. કુટુંબોમાં નેટ દ્વારા થવાની વધુમાં વધુ શક્યતાઓ છે તેથી નેટ પરના લખનારાઓ શક્ય તેટલી વધુ શુદ્ધ ગુજરાતીમાં લખે તે ખુબ જ જરુરી છે. એમ થશે તો જ તેમનાં બાળકો–કીશોરો એને અનુસરશે.

 

હું એક ઈ–ઉમાં લખું અને બીજાંઓને ‘શુદ્ધ ગુજરાતી’માં લખવાનું કહું એ વાત જરા ખટકે એવું બને. ટીકાત્મક રીતે જ મારાં લખાણોને જોનારાંઓ તો આ જ કારણસર મારો બહીષ્કાર કરતા રહ્યાં છે. (કેટલાકે તો એમને ઈમેઈલ ન કરવાની લેખીત સુચના પણ આપી દીધી છે, કેટલાકે મને ઠીકઠીક ઠપકાર્યોય છે ! ને મેં પણ એમના આવા ભાષા–પ્રેમને માન્ય રાખીને એમનું માન જાળવવાનો ભરપુર પ્રયત્ન કર્યો છે.)

 

છતાં મેં મારા આદરણીય ગુરુજીના સુચન મુજબ મધ્યમ માર્ગ સ્વીકારીને એક રસ્તો કાઢ્યો છે, જેમાં નેટ પરનાં લખનારાંઓને ભાષા માટે જે કાંઈ ઉપયોગી હોય તે બધું સાર્થ જોડણીના નીયમો મુજબનું લખું છું. આ માટે થઈને જોડણીના નીયમો અને હમણાં જ શરુ કરેલી કોશની પ્રસ્તાવનાઓ દ્વારા પાનાં ભરી ભરીને ટાઈપ મેં કર્યાં છે. આ બધા પાછળનો હેતુ ભાષાશુદ્ધી સાર્થ મુજબ થાય તેને જ ગણતરીમાં રાખ્યું છે. સાર્થ મુજબ જ સુધારા થાય તે માટેના મારા આ પરીશ્રમનેય શંકા અને ટીકાથી જોવાનું ક્યાંક થયું છે, છતાં મારી દાનતને સમજનારાઓની સંખ્યા વધુ રહી છે એ પણ મારે માટે ધન્યતાનો મુદ્દો છે. હું એ બન્ને પ્રકારના સહયોગી સૌ કોઈનો ૠણી છું. કારણ કે મારા એક ઈ–ઉના વીચારનો વીરોધ પણ એમનો ભાષાપ્રેમ જ બતાવે છે. અલબત્ત, ભાષાના એક વીદ્યાર્થી તરીકે હું એક ઈ–ઉની શાસ્ત્રીયતા જાણું છું. અને એટલે જ એને વળગી રહ્યો છું.

 

મારો NET–ગુર્જરી બ્લોગ એક જ ઈ–ઉમાં પ્રગટ થનારો સૌ પ્રથમ બ્લોગ હતો. પછી કેટલાક બ્લોગ એ પ્રવાહે સર્જાયા અને વીખેરાયા. NET–ગુર્જરી એના અન્ય કેટલાક સાથી–બ્લોગ સહીત હજી પણ સક્રીય છે. એક સમયે એવી શંકા હતી કે, એક ઈ–ઉમાં લખાતા બ્લોગને વાચકો નહીં મળે. પણ (NET–ગુર્જરી સીવાય) કેટલાક બ્લોગ વીવીધ વીષયો પર આજે પણ સક્રીય છે બલકે ખુબ વાચકો મેળવે છે. મારા બ્લોગને વાચકો ઓછા અને કોમેન્ટસ તો શુન્યવત્ મળી શક્યાં છે એ જાણું છું. પણ એનેય એક જાતની જાગૃતીની નીશાની ગણું છું. અને એટલે સુખી ને સંતોષી છું.

 

પણ –

 

પણ હવે ‘કોડિયું’નું સંપાદનકાર્ય આવી મળતાં સમયની ખેંચ વરતાય છે. મારાં પોતાનાં પ્રગટ કરવાનાં લખાણોનોય તકાજો છે. હું હવે દરરોજની જેમ દીવસમાં વારંવાર નેટ પર બેસી શકતો નથી. કેટલાક સમયથી બ્લોગોનું વાચન બંધ થયું છે. કોમેન્ટ મુકવાનો તો ચાન્સ જ રહ્યો નથી. અને તેથી જ, કોઈ ખાસ કામ સીવાય હું ધીમો પડીશ. ‘ઈન્ડીબ્લોગર્સ’ પરનો મારો ક્રમ ૮૩ સુધી પહોંચી શક્યો હતો ! પણ હવે એ આંકનું અવમુલ્યન થવામાં છે ! ભલે.

 

હજી પણ શુદ્ધ માતૃ–ભાષાના પ્રચાર–પ્રસારનું કામ તો કરવાનો જ છું. એને માટે જાગરણ કરવું પડે તો તેય કરીને એ કાર્યની અગત્યતા જાળવવાની છે. તેથી જે કોઈ મીત્રો ભાષા અંગે વ્યક્તીગત સંપર્ક કરશે તેમને માટે તો હાજર જ રહીશ. બ્લોગ વાચન હવે લગભગ શક્ય ન હોવાથી આમ લખ્યું છે. મારા બ્લોગ પર પણ હું મારાં અનીવાર્ય એવાં લખાણો (શુદ્ધ “એક ઈ–ઉ થીયરીમાં જ, અલબત્ત)ક્યારેક ક્યારેક મુકતો રહીશ. એનોય પ્રચાર તો નહીં જ કરું. જેમને મારો બ્લોગ હડફેટે ચડી જશે તેઓ વાંચશે. અને એટલું પણ બસ છે.

 

આ કાંઈ વીદાય–સંદેશ નથી. નેટમાં તો એવા ભરાઈ પડ્યા છીએ કે છેલ્લા શ્વાસ સુધી એમાંથી નીકળાશે નહીં. એટલે કેટલુંક આમ નીવેદનરુપે મુકીને એક જાહેર ફરજ બજાવવાની જ આ કોશીશ છે.

 

આશા રાખું કે સૌ મીત્રો ગુજરાતી ભાષાના પ્રચાર જ નહીં પણ પ્રસારમાં પણ સક્રીય બને. સુધારા સાથેની ભાષાશુદ્ધી દ્વારા જ સાચી રીતે પ્રસાર કરી શકાય. આપણા સાર્થ જોડણીકોશમાં પણ ભુલો છે ! નીયમોની અરાજકતા તો ખરી જ વળી…એટલે અશુદ્ધીને બને તેટલી વધુ ઝડપ સાથે, વધુ ને વધુ દુર રાખવા સૌને વીનંતી સાથે,

 

– જુગલકીશોર.