પ્રાદેશીક શબ્દોની તાકાત દર્શાવતું શ્રી કિશોર મોદીનું કાવ્ય

વટથી તરવી છે 

વાત અંદરની  બધ્ધીયે વાંચી છે,

હાવ ફેદર હરખી  હઘળી તાજી છે. 

કોઈનાં  કંઈ  ટાયલાં કરવાં  નથી,

જાત  હામે આંચ  એવી  કરવી છે. 

કૂંદવા  પર  બેહીને   ભહવું નથી,

જુંહરી ખાંધે  જુઓને    લાખી  છે. 

ગાંગડું માણહ થેઈને હું કરવાનું છે?

આપમેળે કાં કોઈ અણચી બકવી છે? 

ડેચલાં મારીને હઉં જીવે  છે કિસોર,

આપળ વઈતરણી વટથી તરવી છે.

 – કિશોર મોદી (એમના કાવ્યસંગ્રહ “અંઇ વખતની લીલીહૂકી વાત”માંથી સાભાર)

 

 

 

 

ચીરાગ પટેલની એક રચના

પ્રણય 

સખી, અન્ધારે પ્રગટાવે દીવડા અનેરા;
જગવે આતમે પ્રેમના રોમાંચ અનેરા.

દુનીયા આથમે, ઉગતી ત્યારે સહીયર;
વીસામો મોટા છાંયે, હોય પોતે મહીયર.

ધર્યા ભેખ સંસારના, ચાલ્યો કર્તવ્યપથ;
માંહ્યલો જાણે ‘મા’નો જ સાચો એક પથ.

હસતું રમતું ફુલ જાણે પ્રગટાવે બધે સ્મીત;
જળકમળવત ખીલતું, અપનાવી એક મીત.

ડાળ બની ચન્દન, પ્રણય સ્ત્રોત મલયાનલ
પલળે ચન્દન સુવાસે હવે એ મલયાનલ.

ક્યાંથી પામે અમૃત સખી, તુજને વીસરી;
મૃગ ભટક્યું ડુંગરે, સુગન્ધી શોધે કસ્તુરી.

જાણી તને, જાણ્યો મને, ઉધામા અશાંત;
બોલકું બન્યું હૈયું હવે, મનમન્દીરીયું શાંત.

ના ભાળું દીઠે હવે તને, તોયે ના ઉત્પાત;
અંતરે દીઠું હમ્મેશ, વરસાવું બહુ પ્રેમપાત.

રાધા છુપાવે કાનો હૈયે, જાણે ના કોઈ;
કાનો બહાર ના આવે, રહે બધું જોઈ.

 

— ચીરાગ પટેલ

(સપ્ટેમ્બર, 19, 2008)

નેટજગતના એક જુનાજોગીની રચના : ‘નથી આવતી.’

શ્રી યશવંત ઠાકર એક જાણીતું નામ. એમના સંવાદો નેટજગત પર રંગત જમાવતા હતા. આજે એમની એક પદ્યરચનામાં પણ એવી જ એક રંગત છે ! વાંચતાં જ મનને ભાવી ગઈ. મારા વાચકો સમક્ષ એને મુકીને એની રંગત સૌમાં વહેંચવાનો આનંદ ‘માતૃભાષા’ પર માણવાની તક સર્જકના આભાર સાથે લઉં છું. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(મિત્રો, ઓણ સાલ વરસાદ સારી પેઠે ખાબક્યો. પરિણામે, ગઝલ અને કાવ્યોની વાવણી પણ સારી પેઠે થઈ છે. તો મને થયું કે, લાવ્યને હુંય એકાદ કાવ્ય ઠપકારી દઉં. આજકાલ ક્યા કોઈ જોવાવાળું છે કે, કોને કાવ્ય કહેવાય ને કોને ન કહેવાય. બીક પછી કોની અમારે! તો કાવ્યનું શીર્ષક છે… ‘નથી આવતી’   – ય.)

નથી આવતી… 

દૂધમાં મલાઈ નથી આવતી,
હોટલમાં સારી ચાય નથી આવતી.

શહેરમાં હાલી હાલીને થાકી જાવ
તોય રસ્તામાં ક્યાંય મુતરડી નથી આવતી.
ને ડોનનું કાંડું તો જુઓ
એ કાંડામાં દુનિયાની કોઈ હાથકડી નથી આવતી.

બસ સ્ટેન્ડ તો બાંધી દીધાં ઠેકઠેકાણે
પણ ત્યાં સમ ખાવાય બસ નથી આવતી,
મોંઘી મોંઘી હોસ્પિટલોમાં દર્દીઓ બિચારા
બેલ મારી મારીને બેવડ વળી જાય છે
તોય ડ્યૂટી પરની નર્સ નથી આવતી.

ખમણ તો કે દોઢસો રૂપિયે કિલો!
દોઢસો રૂપિયા!
તોય ખમણ પર સરખું તેલ નથી આવતું – સરખી રાઈ નથી આવતી,
ને કોલ સેન્ટર પર રિંગ મારી મારીને
વાસી રીંગણા જેવા થઈ જાવ
તોય લાઇન પર એકેય બાઈ નથી આવતી.

ફલેટનું પઝેશન મળી જવાથી શું થઈ ગયું?
મહિનાઓ સુધી લિફ્ટ નથી આવતી,
ને હજી પણ બાબુઓ ત્યાં સુધી રાજી નથી થતા
જ્યાં સુધી એમના હાથમાં ગિફ્ટ નથી આવતી.

નોટબંધી તો ગઈ ગોથાં ખાતી
પણ બજારમાં હજી ઘરાકી નથી આવતી,
કાકો એકલો આવે છે આંટા મારવા
હારે ખર્ચો કરાવે એવી કાકી નથી આવતી.

ચોખ્ખાઈની વાતું કરનારા કર્યા કરે
રસ્તે થૂંકનારને શરમ નથી આવતી,
આ તે કેવો જમાનો આવ્યો!
ગુજરાતીના ભાણામાં રોટલી પહેલાં જેવી ગરમ નથી આવતી
નરમ નથી આવતી!

મોબાઇલમાં માથું ઘાલી રાખે છે જવાની
એને બીજે ક્યાંય મજા નથી આવતી,
ઘરડાંઘરમાં વાટ જુએ છે બુઢાપો,
એને વરસમાં એકેય રજા નથી આવતી.

ટકા ટકા ને ટકા!
ટકા લાવો ટકા લાવો ટકા લાવો
માબાપની અપેક્ષામાં ઓટ નથી આવતી,
ને કુમળાં કુમળાં
સંતાનોની આત્મહત્યાના આંકડામાં
ખોટ નથી આવતી.

ખેડૂત પકવે છે મબલક પાક
પણ પાકની પડતર કિંમત નથી આવતી,
ખેડૂતના દીકરામાં ખેડૂત બનીને રહેવાની
હિંમત નથી આવતી.

પરંપરાગત કવિને અફસોસ છે એ વાતનો
કે આવી ગયાં છે કીબોર્ડ!
હવે નથી એ પેન આવતી નથી એ ઇન્ક આવતી,
ને જેટલીજીને છે ફિકર એ વાતની
કે હજી બધાંનાં આધારકાર્ડની કેમ લિંક નથી આવતી.

કેટલીય બહેનો મારે છે બજારમાં ફાંફા!
ને નાખે છે નિસાસા!
એમના ભાઈ માટે હવે
પંદર વીસ રૂપિયામાં રાખી નથી આવતી,
ને જોઈ લો આ નેતાઓ
એમની સંસદમાં ફરિયાદ છે કે
કેટલાય દિવસોથી
રાજસભામાં
‘સચિન’ નથી આવતો
‘રેખા’
નથી આવતી!

 – યશવંત ઠક્કર

શુભસંગ્રહ (સચવાયેલી કાવ્યપંક્તીઓ)

શાપુર લોકશાળા (બુનીયાદી શાળા)માં ભણતો ત્યારે (૧૯૫૭ આસપાસ) વાચનાલયમાંનાં સામયીકોમાંથી સારી સારી પંક્તીઓ નોટમાં ઉતારી લેવાની ટેવ પડેલી. ૧૯૫૬નાં ‘કુમાર‘ વગેરે સામયીકોમાંથી ભેગી કરેલી પંક્તીઓ ઉપરાંત નવલકથાઓનાં કેટલાંય અવતરણો પણ સાચવેલાં……

ત્યાર બાદ લોકભારતીમાં પણ આ ટેવ ચાલુ રહેલી. નવી નોટને ‘શુભસંગ્રહ’ એવું નામેય આપેલું. આ બધી પંક્તીઓએ કાવ્યરસ વહેતો રાખ્યો છે…..આજે હવે એ પાનાં જર્જરીત થયાં છે ને સાચવીને ખોલવાં પડે છે ! પણ નેટની સવલતે આ સંગ્રહને સાચવી રાખવાની તક આપી હોઈ ફક્ત ‘સ્વાન્ત: સુખાય’ એને સાઈટ પર મુકવાનું શરુ કર્યું છે……આ બધું ગુજરાતી સાહીત્યનું ઉત્તમોત્તમ નથી પણ એક ભાવુક દીલની પસંદગીનું છે. વાચકોને એમાંનું કશુંકેય ગમશે તો ઠીક છે; નહીંતર પચાસ–સાઠ વરસ જુનો આ ખજાનો આકાશીબુકમાં પડ્યો સચવાશે ! – જુ.

****************

ન મારા ગુનાઓ તણો પાર જેમ

ન તારી કૃપાનોય તે પાર તેમ.

– ઉ.જો.

*** ***

મને ?

(મિશ્ર)

મને જ તેં નેહ થકી નવાજ્યો ?

મને – નગુણા મનના નર્યા મને.

હશે તને આશ –‘હું ચાહીચાહી ને

મૂકીશ એને કરી ચાહના ભર્યો.’

પરંતુ રે પારસ ! લોહ હું નથી.

કઠોર હું તો પથરો જ કો’ નર્યો.

– રતિલાલ જોગી. (કુમાર, ફેબ્રુ. ’૫૬)

*** ***

ક્યાં ?

ગગનનાં ઉડુમંડળો હે !

પૂછું : પ્રકાશ અહીં આથમી જે ગયો તે

આવ્યો શું રૂપ ધરી તારકનું કહીં નભે ?

 

ફૂલોની સૌરભ થકી ભરપૂર હે ધરા !

કોઈ અનોખી સુરભિ નકી તારી માટીમાં

જો ને પ્રવેશી હમણાં… ..

 

પાતાલમાં નિવસતાં જન હે જરી જુઓ :

કોઈ  મીઠું  ઝરણ   અમૃતનું  ધરાથી

ઊંડે ગયું ઊતરી શું તમ દેશ……?

નિરુત્તર !

– જશવંત લ. દેસાઈ

 

 

 

 

 

 

આકાશી નથણી !!


નથણી !

images

 

 

 

આજે

સૂર્યની પાછળ
બ્હાવરી બનેલી સંધ્યા,
ઉતાવળી કૈં મન બ્હેકાવતી
દોડી ગૈ.
કે આ –
બીજ કેરી નથણી પ્હેરવી
ભૂલી ગઈ !
જુઓને…
ચોરીછૂપીથી
ચંડાળ નિશાએ પ્હેરી લીધી,
કૂબડા નાક પર કેવી જડી દીધી !
– ‘સુક્રિત’ (બુદ્ધિપ્રકાશ ડિસેં. ૬૩)