આવતી કાલનું શીક્ષણ !

કેળવણી અને શીક્ષણને કાંઈક જુદાપણું છે. જે શીક્ષણ માણસને જીવન માટે કેળવી શકતું નથી તે શીક્ષણ વાંઝીયું રહે છે તેવી મતલબનું દર્શક કહેતા. જે કામનું છે તે ભણાવાય નહીં ને ભણાવાય છે તે કામનું ન બને તેને શીક્ષણ કઈ રીતે કહેવાય ?

નાના નાના કોર્સીઝ દ્વારા યુવાનોને જીવન માટે જે જોઈએ તે અને તેટલું આપવાવાળા તાલીમવર્ગો ઠેરઠેર ચાલતા જ હોય છે. પણ એને શીક્ષણ કે કેળવણીના નામે ઓળખી શકાશે નહીં.

નઈતાલીમનો વીચાર વર્ધાસંમેલનમાં ગાંધીજીએ આપ્યો પછી સમગ્ર દેશમાં એના અનેક પ્રયોગો થયા. આજે પણ તે ચાલી જ રહ્યા છે બલકે આંતરરાષ્ટ્રીય સ્તરે નાનાભાઈ ભટ્ટ દ્વારા સફળતાપુર્વક અમલમાં મુકાયેલા શિક્ષણના સીદ્ધાંતોને કેટલેક અંશે સ્વીકારાયા છે એમ પણ કહી શકાય.

આ નઈતાલીમ તે કેળવણીની એવી પ્રક્રીયા છે જેમાં અનીવાર્યરુપે આવતું છાત્રાલયજીવન વીદ્યાર્થીને સમગ્ર જીવનના પાઠો શીખવે છે. સમય જતાં કેળવણીનાં કાર્યોમાં, જેમ બીજે બધે બને છે તેમ નીષ્ઠાનું તત્ત્વ ઝાંખું પડતું જણાશે પણ આવા સંજોગો એક અનીવાર્ય પ્રક્રીયારુપ હોઈ તે કાયમી નબળાઈ તરીકે જોવાતા નથી.

આજે હવે જ્યારે નેટજગતમાં અનેક પ્રકારનાં સંશોધનો દ્વારા શીક્ષણના સાધન–માધ્યમરુપ વીવીધ ડાઈમેન્શનલ પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે અને ખાસ કરીને જ્યારે વીજાણુ ઉપકરણો હાથવગાં બની રહ્યાં છે ત્યારે આ સાધનોનો ઉપયોગ કરવાની ને એનો પ્રચાર કરવાની સહેજે ઝંખના રહે. હવે વર્ગમાંનું શીક્ષણ કોમ્પ્યુટરથી પણ આગળ હથેળીમાંના મોબાઈલ ફોનના સ્ક્રીન મારફતે મળવાનું બની રહ્યું છે ત્યારે શાળાનો વર્ગરુમ અને વીદ્યાર્થીઓનો પરસ્પરનો થોડાકેય કલ્લાકોનો સંપર્ક તથા શીક્ષકો સાથેનો સન્માનનીય સંબંધ પણ બંધ થવાની ઘડીઓ ગણાવા લાગી છે !
હવે, “આપણ સૌ સાથે રહ્યાં તને સાંભરે રે ? હાજી બાળપણાની પ્રીત, મને કેમ વીસરે રે !!” આ પંક્તી વર્ગરુમથી પણ ગઈ સમજો ! હવે કોમ્પ્યુટરના પડદેથી જ સીધું ઘરે બેઠાં ભણવાનું મળી જવાનું હોઈ વર્ગરુમની અનેકાનેક ઉપયોગી બાબતો કે સંબંધોના જીવનોપયોગી તાણાવાણા રહેવાના નથી.

આધુનીકતાના પ્રચારકો વૈજ્ઞાનીક શોધોને અત્યંત મહત્ત્વ આપીઆપીને કેટલુંક સુકાં ભેળું લીલું પણ બળી જવા દેતા હોય છે. એમને સમયની જાણે કે બહુ કીંમત હોય ને બધાં ઉપકરણો વીદ્યાર્થીના સમય–શક્તીને બચાવીને જાણે કે દેશના વીકાસમાં વાળવા–વાપરવાનાં હોય તે રીતે કોમ્પ્યુટરી સાધનોની માળા જપ્યે રાખે છે. છાત્રાલયજીવનની જ જેમને કીંમત નથી તેઓને વર્ગરુમમાંથી પણ દુર થતું જતું શીક્ષણ ક્યાંથી ખટકે ?! વર્ગરુમમાં અનેક ને અકળ કારણોસર વીદ્યાર્થીઓ હાજર નથી રહેતાં તેવી ફરીયાદ હવે કાયદેસર રીતે ફરીયાદ નહીં રહે ! વીદ્યાર્થીઓ ઘરે રહીને હોમવર્ક જ નહીં પણ સમગ્ર અભ્યાસક્રમો પુરા કરી નાખશે તેમાં આ લોકોને ગૌરવ દેખાશે. પાંચ–છ કલ્લાકનો વીદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ પણ પુરો થઈ જતાં સામાજીકતા જ નરી ગુમ થઈ જાય તો શી નવાઈ ?! આ દુરદર્શી ને દુરકર્મી ઉપકરણો વડે શીક્ષણનો સામાજીક સંદર્ભ જ જાણે કે નાશ પામવા જઈ રહ્યો છે !!

શહેરો રાક્ષસપેટા ખાઉધરા બનીને ગામડાંઓને ગળી જવા માંડ્યાં છે; ‘ભાઈએ ભાગ’થી ખેતરના થતા ટુકડાઓની માફક સંયુક્ત કુટુંબો હવે શરીરને વધુમાં વધુ ઉઘાડાં કરી મુકતાં ફેશનેબલ કપડાંની જેમ ટુંકાતાં જઈને વ્યક્તીને ઉઘાડો પાડી રહ્યાં છે ત્યારે પછી શીક્ષણનો શો વાંક ?!

આવતીકાલનું શીક્ષણ કદાચ સમાજ સાથેનો સંદર્ભ જ સપુચો કાઢી નાખે તો કશી નવાઈ ?

Advertisements

૨૬ જાનેવારીના રોજ એક નવીનક્કોર શૈક્ષણીક પ્રવૃત્તી !!

૨૬ જાનેવારીના રોજ એક નવીનક્કોર શૈક્ષણીક પ્રવૃત્તી !

એક નવયુવાને લીધેલો વીશીષ્ટ સંકલ્પ !! સંકલ્પને બેઠું એક સુફળ. નામ છે “સંનિષ્ઠ કેળવણી” !!

એ છે એક નવો બ્લૉગ : https://shikshandarshan.wordpress.com/ (હા, પણ એને ખોલી શકાશે ભારતીય સમય પ્રમાણે તા. ૨૬મી જાનેવારીની વહેલી સવારે ૦૦.૩૦ કલાકે !)

મારે, તે પ્રવૃત્તી ક્રાંતીકારી કેળવણી વીષયક હોવાને કારણે જ એમાં જોડાવાનું બન્યું છે – મારું સમગ્ર શીક્ષણ આ જ ઢાંચામાં થયું હોઈ અ–નીવાર્યરુપે એની પૃષ્ઠભૂમાં !!

તો, મળીશું ત્યાં જ, તે દીવસે ને તે સમયે. સૌને ભાવપુર્ણ નીમંત્રણ સાથે, – જુ.

––––––––––––––––––––––––––––––––––––

એક વખત વિનોબાજીને એક વિદ્યાર્થીએ પૂછ્યું,

‘શું ભૂદાન આંદોલનમાં જોડાવા માટે અમારે કૉલેજ છોડી દેવી જોઈએ ?’ વિનોબાજીએ જવાબ આપ્યો, ‘ભૂદાનમાં ન જોડાવું હોય તો પણ કૉલેજ છોડવી જોઈએ..’

દુનિયામાં ઘણા લોકોના આખેઆખા જીવન કોઈ જ અર્થ વગર ગુજરી જાય છે. યુવાની પૈસા કામવામાં અને પછીનું જીવન એ પૈસાને સાચવવામાં પૂરું થઈ જાય છે. પહેલાં ભણો પછી નોકરી કરી પૈસા ભેગા કરો પછી લગ્ન અને રિટાયર્ડ લાઈફ. હું માનું છું કે આ બધું જ મોટાભાગના લોકો માટે જરૂરી છે, પણ કદાચ અમુક લોકો માટે નહી. હું આ ચક્કરમાં બંધાતાં પહેલાં મારા પ્રશ્નોના ઉકેલ શોધવા માંગુ છું. મારા જીવનનો અર્થ શોધવા માગું છું. હું કયા કામ માટે આ દુનિયામાં આવ્યો છું તે જાણવા માગું છું. મારી આત્માના પોકારને સાંભળી તેને અનુસરવાની હિંમત બતાવવા માંગુ છું. તો જ તો હું ખરો યુવાન.

મારા મનમાં સદાય પ્રશ્નો થાય, ‘આ માણસ, કે હવે તેને દરેકના વિકલ્પો શોધવા પડયા ? ન્યાય તંત્રના વિકલ્પો, રાજનીતિના વિકલ્પો, જીવનપદ્ધતિના, શિક્ષણપદ્ધતિના વિકલ્પો, શુદ્ધ હવાના વિકલ્પો…’જયારે તે આ વિકાસની દોડમાં ભાગતો હતો ત્યારે તેને આ બધાંનું કશું જ ભાન ન રહ્યું ?

કોઈક જગ્યાએ આત્મહત્યાઓ થાય છે; કોઈક જગ્યાએ આતંકવાદી હુમલા, ક્યાંક ભૂખમરો છે તો ક્યાંક નિરક્ષરતા… આ બધી જ સમસ્યાઓ આપણી સમાજવ્યવસ્થાનું સાચું ચિત્ર આપણી સામે ખડું કરે છે. આ બધું જ, આપણે જ બનાવેલી સિસ્ટમમાં થાય છે. હા, આપણે બનાવેલી – કારણ આપણે તો લોકશાહીમાં જીવીએ છીએ અને આપણી પાસે તો હ્યુમન રાઇટ્સ છે ને !

ઉપરની દરેક સમસ્યાને લોકો પોતપોતાની રીતે ઉપર ઉપરથી હલ કરવાનો પ્રયત્ન કરે છે. પણ મારા મતે સમસ્યાનો ઉકેલ મૂળિયાંમાં છે. મૂળિયાં એટલે સમાજ વ્યવસ્થા – જે માણસ ઘડે છે. અને માણસ ઘડાય છે ‘શિક્ષણ દ્વારા’, ‘કેળવણી’ દ્વારા. કેળવણી જ માણસને બદલી શકે, તેનું હૃદય પરિવર્તન કરી શકે અને વિશ્વશાંતિનો સંદેશ ફેલાવી શકે.

ભારતમાં ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, વગેરે મહાનુભાવોએ કેળવણીનું દર્શન આપ્યું છે. જે માનવજાતને વિશ્વશાંતિ તરફ લઈ જવા સક્ષમ છે.

ગુજરાતમાં લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ તથા શિક્ષણના ભેખધારી હજારો કેળવણીકરો છેવાડાના માનવી સુધી પહોંચી એક નવી સમાજ વ્યવસ્થાના પાયા નાખી રહ્યા છે…

ચાલો આપણે તેમના જીવનસંગીતને જાણીએ… અને તેમાંથી પ્રેરણા લઈએ…

“વિનોબાજી કહેતા કે આઝાદી પછી તરત આપણે શિક્ષણવ્યવસ્થા બદલવામાં ચૂકી ગયા.”

પણ હવે જાગવું જ રહ્યું… હું તો પૂરેપૂરો મથવાનો છું… શું તમે સાથ આપશો ?

(ફક્ત ટેલિફોન પરની વાતથી જ મને સાથ આપવા એક વ્યક્તિ તૈયાર થઈ; યોગાનુયોગ તે નઈતાલીમની જ વ્યક્તિ,  જુગલકિશોરભાઈ – જુકાકા ! આ બ્લૉગ દ્વારા જે કાંઈ કાર્યો હું કરવા માગું છું તેમાં તેમનો પૂરો માર્ગદર્શક–સાથ મળવાનો છે.)

બ્લૉગવાચન દ્વારા એક વાચકરૂપે અને ક્યાંક, કોઈક પ્રસંગે લખાણ વગેરે દ્વારા આપ સૌ પણ મને સાથ આપશો એવી આશા રાખું તો નિરાશ નહીં જ થવાય તેવા વિશ્વાસ સાથે –
સાભાર,

મિહિર પાઠક
‘સંનિષ્ઠ કેળવણી’ – shikshandarshan.wordpress.com/
વ્યક્તિગત વેબ પેજ – mihirism.github.io/

–––––––––––––––––––––––––––––––––––

મિહિરનો ખાસ પરિચય અહીં :

http://yourstory.com/2015/04/learnlabs-mihir-pathak/

mihirism.github.io/portfolio/mihir_portfolio.pdf

છાત્રાલય–જીવનનાં સંભારણાં : ઉમાશંકર જોશી

કોડિયુંમાં ઉજાસ ! 

ઉમાશંકરભાઈ સંભારે છે પોતાના છાત્રજીવનના પ્રસંગો અને અનુભવો.

વાંચો –

‘મને સાંભરે રે !’

– જુગલકીશોર.

વીચારકણીકા.

” મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવાં જોઈએ જે આપણને ઘાયલ કરે,

 આરપાર વીંધી નાખે. આપણે વાંચતાં હોઈએ તે પુસ્તક મસ્તક ઉપર ધડ દઈને

ફટકો મારી આપણને જાગ્રત કરી દેતું ન હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ

 શીદને, ભલા ? આપણને તો એવાં પુસ્તકોની જરુર છે, જે કોઈ મોટી હોનારત જેવી

 અસર આપણી ઉપર કરે, ઉંડી વેદનામાં આપણને ડુબાડી દે, જેને આપણી જાત

કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રીયજનના મૃત્યુની જેમ માનવી માત્રથી દુર દુરનાં

 જંગલોમાં આપણને દેશનીકાલ કરી દે; પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા

 હીમસાગરને કાપનાર કુહાડો હોવું જોઈએ.” 

 (મુળ લેખક : ફ્રાંઝ કાફ્કા. અનુ.: મહેન્દ્ર મેઘાણી.)

પહેલું શું, દુરબીન કે આંખ ?

                                       મનુભાઈ પંચોળી ‘દર્શક’.
મારી સાથે અમરશી કરીને એક છોકરો ભણે. વર્ગમાં તેને કાંઈ આવડે નહીં. તેને અમે સૌ ઠોઠડો કહીએ. તે વખતે એવો રીવાજ હતો કે શીક્ષક કોઈ વીદ્યાર્થીને પ્રશ્ન પુછે. તેને તે ન આવડે તો તે પછીના જેને આવડે તે પહેલા વીદ્યાર્થીને ધોલ મારીને આગળ જાય. આ ભુંડા રીવાજ પ્રમાણે મેં પણ ઘણીવાર અમરશીને ધોલો મારી હતી. તે પણ પોતાને સાચે જ ઠોઠ સમજીને ધોલ સહી લેતો.

ખેડુતનો છોકરો ને ભણવામાં ઠોઠ એટલે પાંચમા ધોરણથી જ તે ઉઠી ગયેલો.

ઘણાં વર્ષો પછી હું મારે ગામ ગયેલો. ગામને મન તો હું એ ગાળામાં ઘણો આગળ નીકળી ગયેલો. એક સાંજે અમરશી મારી પાસે આવીને કહે, ‘મારે ત્યાં સાંજે જમવા આવશો ?’

સાંજે જમવા ગયો. વાળુ કરતાં કરતાં તેણે કહ્યું, ” ભગવાનની મારા પર મહેર છે. ભાઈએ ભાગ પડ્યા ત્યારે મારે ભાગે વીસ વીઘા જમીન ને એક બળદ આવેલ. પહેલાં તો ગાડું ચલાવતાં મુશ્કેલી પડી; પણ ધીમે ધીમે મહેનત અને કરકસર કરી નવી જમીન લીધી, કુવો બંધાવ્યો; ઘર પણ બે સાલ પહેલાં ચણાવ્યું.આજ મારી પાસે પચાસ વીઘા જમીન છે, બે જોડી બળદ.” બહુ સ્વાભાવીકતાથી, કશીયે બડાશ વીના એક નરવા આત્મસંતોષથી અમરશી આ વાત કરતો હતો. ને મારા અંતરમાં ચણચણાટી થતી હતી.’ આ અમરશીને અમે ઠોઠ કહેતા હતા ? નાઈલ નદીના મુખ આગળ કયું શહેર આવ્યું કે દરીયાઈ પવનો ક્યાંથી છુટે છે અને ક્યારે છુટે છે એ નહીં જાણવા માટે આને તમાચા મારતા હતા ?’ નાઈલ નદીનું મુળ કે મુખ નહીં જાણવાથી તેનો ઘરસંસાર કઈ જગ્યાએ અટકી પડ્યો? ને ધારો કે મને જ એક બળદ ને વીસ વીઘાં જમીન મળ્યાં હોત તો હું તેમાંથી મારું ગુજરાન કાઢી,આ વાડી, આ ઘર વગેરે બાંધી શકત ખરો ? હું તો ભુખે મરી ગયો હોત—દુખી દુખી તો જરુર થાત. કોની પ્રાણશક્તી ચડીયાતી ? મારી કે અમરશીની ? સમાજને મારા જેવાની વધુ જરુર કે અમરશી જેવાની ?

તો પછી હોશીયાર અને ઠોઠનો આપણો ગજ કઈ રીતે યોગ્ય ગણાય ? કહે છે કે ઈન્ગ્લેન્ડમાં સાંજના ભોજન સમારંભમાં કોઈ કાળાં કોટપાટલુન પહેરીને ન જાય તો બહુ અસંસ્કારી કહેવાય ને જોનારના નાકનાં ટેરવાં ચડી જાય. સંસ્કારીતાનો તેમનો ગજ કાળાં કોટપાટલુન પર રચાયેલો છે, પણ વસ્તુત: સંસ્કારીતા, માણસાઈ કે પ્રાણશક્તીને કાળાં કોટપાટલુન સાથે કશો સંબંધ નથી.

જીવનના નીભાવ, વૃદ્ધી ને સત્ત્વસંશુદ્ધી માટે કઈ કઈ વસ્તુઓની વધારે જરુર છે તેની આપણને સાફ સમજણ નથી. આથી આપણે ઘણી વાર નાનાને મોટું અને મોટાને નાનું સ્વરુપ આપીએ છીએ. વીદ્યાર્થી ગણીતમાં નાપાસ થાય તેથી તે જીવતરમાં નાપાસ થતો નથી તે વાત ક્યારે સમજશું ?

વસ્તુત: વિષયો તે સાધન છે. પણ સાધનનું મહત્ત્વ તેના વાપરનાર પર આધારીત છે. બહારવટીયાનો સામનો કરવા બંદુક લીધી હોય પણ બહારવટીયા આવીને હાકલ કરે ત્યારે છાતી બેસી જાય, ને બંદુક કાંઈ ખપ ન લાગે.

દુરબીન ઘણું સારું સાધન છે પણ જેને આંખ જ ન હોય કે આંખે ઝામર હોય, ફુલું હોય તેને ગમે તેવું કીંમતી દુરબીન ભેટ આપીએ તેથી શો ફાયદો થાય ? તેના પ્રત્યેનો આપણો પ્રેમ તો તેનો ઝામર પહેલાં ઉતરાવીને જ બતાવી શકીએ.

પણ જ્યાં સુધી આપણે આંખને બદલે દુરબીનને જ અગત્યનું ગણ્યા કરીએ ત્યાં સુધી આપણને સાચો રસ્તો કેમ સુઝે ? સાધનની નીંદા નથી કરતો પણ વાપરનાર કરતાં તે ગૌણ છે તેટલું જ કહેવા માગું છું.

વીષયશીક્ષણે આજે વીદ્યાર્થીને હડસેલી દીધો છે. એટલું જ નહીં, વીદ્યાર્થી, તેનાં માબાપ, શીક્ષણનું જગત, સૌ પર તેણે સવારી કરી છે. ‘ Things are in the saddle.’ વસ્તુ સવાર થઈ છે, માણસ નહીં.

………………………………………………………………………………………….

“સર્વોદય અને શીક્ષણ” માંથી.  સૌજન્ય : કોડિયું  ફેબ્રુ. ‘ 07.

વીપદા-ઘાવ-ઔષધ.

વીપદ: સન્તુ ન: શશ્વત્  | 
અમને  સદા  વીપત્તી  મળો.                       ( કુન્તી, મહાભારતમાં )

સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયાં,
ટાળ્યાં તે   કોઈનાં  નવ  ટળે, રઘુનાથનાં  જડીયાં.—નરસીંહ મહેતા.

જે જે થતો પ્રાપ્ત ઉપાધીયોગ,
બની રહો  તે   જ  સમાધીયોગ.                        –ઉમાશંકર જોશી.

ઝાહીદ ! મને રહેવા દે તબાહીભર્યા  ઘરમાં,
મસ્જીદથી વધારે અહીં આવે  છે ખુદા યાદ.                      –મરીં.

શબદ સંભલકે બોલીએ,
શબદ કો હાથ ન પાંવ,
એક શબદ  હૈ  ઔષધી
એક   શબદ   હૈ   ઘાવ.
===================================
ઉચ્ચ શીક્ષણના પ્રશ્નોને લગતું ગુજરાતનું એક અદ્વીતીય માસીક ‘અભિદૃષ્ટિ’ માંથી.