હેમંત ગોહિલનું ‘ધોધમાર ઝંખના’નું ગીત

ધોધમાર ઝંખનાનું ગીત / હેમંત ગોહિલ “મર્મર”

 

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….
મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં 
ચોમાસું કોઈનું મંગાય કૈં ?
વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ 
ભીતરમાં કૈંક લંઘાય, સૈ.
અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી,  છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક 
મેંદી મૂક્યાની કરે વાતું;
વાતું તો હોય સખી, ઝરમરીયું ઝાપટું,
ભીનું તરબોળ ક્યાં થવાતું ?
ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો 
ધીંગો વરસાદ મને ગોઠે;
માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે 
તરસ્યું છીપાય મારી હોઠે.
ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

(ફેસબુક પરથી બઠાવેલું, એમના સૌજન્ય–આભાર સાથે…– જુ.) 

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

આ રચનાનાં કેટલાંક આકર્ષણો નોંધવા રેખાં છે. જુઓ એમની ભાષાભિવ્યક્તિ !

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે”માંના અલંકારો;

આખ્ખું ચોમાસું વ્હોરવાની વાત;

“મુઠ્ઠીભર માવઠા”ને  હાંડલીમાં ઓરીને ખોટ ખાવાની વાત;

વીંઝાતા વાયરામાં તૈડાતી સીમ;

લંઘાતું ભીતર;

ઓબાળ માગતાં મૂઆં અરધા આંધણ;

ચોમાસું હોવા છતાં ‘મૂંગો મંતર’ રહે એવો ખોટુંડો મોર;

રાળ રાળ થઇ જાતી આખ્ખી સીમ;

ધીંગો વરસાદ;

સાચાં મોતીડાંને આઘાં ઠેલીને વણવરસ્યા દિવસોને દોરે પોરવવાની ખોટ ખાવાવાળી વાત…..

 

સૌરાષ્ટ્રની ધીંગી ભાષાનો પરિચય કરાવતી આ રચનાના સર્જકને સલામ ! 

– જુગલકીશોર.

 

Advertisements

માઈક્રો ફીક્શન પદ્યમાં !!

“વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા…..”

અમારા એ જમાનામાં (એટલે કે આજથી ૬૫–૭૦ વરસ પહેલાં) વારતાઓ પણ પદ્યમાં હતી.

“ચકી ચોખા ખાંડે છે, પીતાંબર પગલાં પાડે છે; રાજ્યો–ભોજ્યો, ટીલડી ટચાક્યો…” જેવી રમતો અને અંત્યાનુ પ્રાસ–મધ્યાનુ પ્રાસ સહીત કાન દ્વારા મનમગજમાં ઠસી જઈને જીવનભર વણાઈ રહેનારી વાતો પદ્યમાં રજુ થતી હતી.

મધ્યકાલીન સાહીત્યમાં તો આખ્યાનો વગેરે પદ્ય વાર્તાસ્વરુપોની નવાઈ નથી…..આજે અેમ જ બસ આ એક વાર્તાને આજકાલ બહુ પ્રચલીત શબ્દ ‘માઈક્રો ફીક્શન’ના નામે  અહીં મુકું છું. વાચકોને કદાચ ગમશે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 સિંહની પરોણાગત

 

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,

સામે રાણા સીંહ મળ્યા ને આફત આવી મોટી !

 

ઝુકી ઝુકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણઃ

મારે ઘેર  પધારો  રાણા, રાખો મારું ક્હેણ.

હાડચામડાં બહુ બહુ ચુંથ્યાં, ચાખોજી મધ મીઠું,

નોતરું દેવા  ખોળું  તમને – આજે મુખડું દીઠું !

 

રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,

સીંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!

ઘર આ મારું, જમો સુખેથી, મધની લૂમેલૂમ

ખાવા  જાતાં   રાણાજીએ   પાડી   બૂમે બૂમ !

મધપુડાનું વન હતું એ – નહીં માખીનો પાર,

બટકું પુડો  ખાવા  જાતાં  વળગી  લારોલાર !!

આંખે,  મોઢે,  જીભે,  હોઠે ડંખ  ઘણેરા લાગ્યા,

‘ખાધો બાપ રે!’ કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !

 

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી,

સામે રાણા સીંહ મળ્યા ’તા, આફત ટાળી મોટી !

 

                            – રમણલાલ સોની

––––––––––––––––––––––––––––––––––––––––

આ રચનાને કાવ્યના ખાતામાં જ રાખી મુકવા જેવું નથી. એમાં વારતાનાં પણ કેટલાં બધાં લક્ષણો છે ! વારતામાંનાં મુખ્ય તત્ત્વો એટલે ૧) કથા, ૨) પાત્રો, ૩) સંવાદ, ૪) પ્રસંગપલટાઓ અને ૫) ગતિ (કથામાં વીકાસ)

આ પાંચેય તત્ત્વોની હાજરી આ નાનકડી રચનામાં જોવા મળે છે.

પંક્તી નં. ૨,૬,૮,૧૨માં ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં વારતામાં વળાંકો આવ્યા છે. પછી વારતામાં પલટાઓ જણાશે. એટલું જ નહીં, કાવ્યમાં રહેલી નાટયાત્મકતા પણ છતી કરનારા છે. (આવી જ રીતે ‘અંધેરી નગરીનો ગંડુ રાજા’ કાવ્ય પણ એની નાટયાત્મકતા માટે માણવા જેવું છે.)

આ જ કાવ્યનો રસાસ્વાદ આ લીંકને સગડે જઈને માણી શકાશે : 

https://jjkishor.wordpress.com/2008/06/19/rasasvad-28/

 

માજીની ઓશરીએ –

વાર્તામાં પાત્રાલેખન, સંવાદો અને સાહીત્યસર્જનનો હેતુ

રાબેતા મુજબ જ માજીને પરસાળમાં ખુરશી નાખીને બેઠેલાં જોયાં. મને જોઈને ટહુકો કર્યો,

આવ ભાઈ, કઈ બાજુ અત્યારમાં ?

બસ તમારી કને જ.

સારું, સારું, ભાઈ. સુખી રે. કે, શું કામ આવવું થયું ?

કેમ પછી પેલી વારતા બની કે નૈં ? જો બની ગૈ હોય તો… …

અરે, હા ભૈલા, વારતા તીયાર જ છે. હું જ આબ્બાની હતી તારી પાંહે, ને તું જ આવી ગ્યો, સારું થ્યું લે. તું બેસ હું ચા લાવું.

માજી જુના જમાનામાં સારું એવું ભણેલાં. નોકરી તો કોઈ કરવા જ ન દે એટલે પછી ઘરકામની જોડે જોડે વાંચવા–વીચારવા–વાગોળવાનું વ્યસન બની ગયેલું. એમાંય એક વાર કોઈ કવીતડું બનાવેલું મને બતાવ્યું ત્યારે બહુ સારું ન હોવા છતાં પ્રોત્સાહનરુપે મેં એમનો વીચારવૈભવ અને શબ્દોની પસંદગીનાં વખાણ કરેલાં.

પછીય બીજી બેત્રણ કવીતાયું મને બતાવી. પછી મારી નીરાશા દર્શાવ્યા વગર એમને મેં ડાયરી જેવું કે પછી વાર્તા જેવું લખવા કહેલું….કોઈ સારો અનુભવ કે કોઈ પ્રસંગ–પ્રવાસના વર્ણન પર હાથ અજમાવવા કહેલું.

ને ચમત્કાર થયો !

માજીએ સરસ મજાની ટુંકી વાર્તા ધરી દીધી. ને એમ એક લેખીકાનો જન્મ થયેલો ! એક તો આધેડ વય, અનુભવોની ખાણ, વીશાળ વાંચન અને સહજ રીતે જ ફુટી નીકળતા હાથવગા તળપદા શબ્દોની સરવાણી ! સાવ નાની અમથી વાતનેય એવી શણગારીને કહે. વીચારમાં પડી જવાય કે કહેવતો, રુઢીપ્રયોગો અને ચીલાચાલુ વાતચીતોને આ માજી કેવા અલંકારરુપે મુકી દે છે ! વાતવાતમાં કોઈ ને કોઈ કહેવત વચ્ચે ગોઠવી દે કે મુળ વાત શોભી ઉઠે ! આનાયાસ અલંકૃત બની જતી વાત !

પછી તો અવારનવાર મળવાનું થાય. સાહીત્યનાં સ્વરુપોની શાસ્ત્રીય વાતો તો સમજાય નહીં તોય કેટલુંક સહેલું કરીને મુકું તો તરત સમજી જાય.

વાર્તામાં પાત્રાલેખન બાબત ચર્ચા કરી ત્યારે લેખક દ્વારા જ વર્ણન કરીને પાત્રો સર્જવાની શૈલીની વાત સાંભળીને મને કહે,

“લખનારાનું કામ લખનારો કરે પણ વાર્તાની અંદરનાં માણસો જો પોતાની જાતે કાંઈ જોમ નો બતાવે તો ઈ માણસો (પાત્રો) તૈયાર રમકડાં જ ગણાય ને ?!”

હું ચોંકી ગયો ! વાર્તાનાં પાત્રો લેખકના હાથમાં રહેતાં નથી ને સ્વતંત્રપણે જ વીહાર કરતાં હોય છે તે વાતને માજીએ કેવી તળપદી બાનીમાં સમજાવી દીધી !

એવી જ રીતે સંવાદોના મહત્ત્વ વીષેની પોતાની વાત આ રીતે મુકી આપેલી –

વાર્તામાં માણસો હોય તે બોલે તો ખરાં જ ને. બધું વાર્તા લખનારો જ ઠઠાડ્યે રાખે તો વાર્તા કોને ગમે ? માણસો પોતે એકબીજાની સાથે ‘અંદરોઅદર’ વાતો કરે (સંવાદ) તો લખનારાને જે કહેવું છે ઈ તો કહેવાઈ જ જાય પણ એનાથીય મોટું કામ તો ઈ થાય કે માણસો જેણે સરજ્યાં છે ઈ લખનારા (લેખક)નેય રસ્તો મળતો જાય !! બોલનારાં સૌ જુદીજુદી નાત્યનાં ને ભાત્યનાં હોય એટલે ઈ બધાંની વાતું ને ઈમની બોલચાલની બોલી ઉપરથી બધાંની અલગ અલગ ઓળખાણ પણ થૈ જાય !! (પાત્રવ્યક્તીત્વ)

એક વખત મેં હસતાં હસતાં પુછેલું કે માજી, આ વાર્તાયું લખાવાનો શો હેતુ ? વાંચવાવાળાને કાંક ગન્યાન–શીખામણ કે બોધ મળે એટલે કે પછી લખનારાની મસ્તીમાં આવે તેવું મજાનું એ લખી નાખે તો ચાલે ?! એમણે જવાબ દીધેલો કે,

“વાર્તા લખનારાને લખવામાં એક અકળામણ હોય છે. અકળામણ એટલે કોઈ અહખ નૈં. અકળામણ એટલે સુવાવડ પહેલાં જણનારીને જેવું થાય ને એવું જ કાંક !!

એને લખવાનું કોઈ નક્કી કરેલું ભાન નથી હોતું…લખવાનો અંદરથી ધક્કો વાગતો હોય એટલે ઈ લખ્યા વન્યા રૈ જ નો હકે ! લખવું જ પડે એટલે પછી વાંચનારાંને એમાંથી ઉપદેશ મળશે કે નૈં ઈની ચંત્યા કરવાનો એને વેંત જ હોતો નથી ! લખવાની ધોંશ જ એની પાંહે લખાવી નાખે છે ! એટલે દુનીયાને એમાંથી જે મળવાનું હોય ઈ મળે; લખનારો તો લખી દઈને નવરો !!

“સાહીત્ય કલા માટે કે જીવન માટે ?” આ બહુ ચર્ચાયેલા સવાલનો માજીએ આપેલો જવાબ દીવસો સુધી ગુંજતો રહ્યો !

– જુગલકીશોર. 

‘શબદ’ની આરાધના ?

શબ્દ માટેની સાધના                                                                                                             – જુગલકીશોર.

 

મૌનનો સાક્ષાત્કાર થાય તેને પછી શબ્દની જરુર કદાચ ન રહે છતાં શબ્દ તો જીવવાનો જ. જીભ પણ સળવળે નહીં એવી રીતે આવતા વીચારોય ખરેખર તો શબ્દના વાઘા પહેરીને જ આવતા હોય છે. કાવ્યમાં વીચારથીય ઉપરની ભુમીકા હોય છે તે ભાવની હોય છે જ્યાં શબ્દો નથી હોતા.

ભાવજગત અને વીચારજગત વચ્ચે જે ફેર છે તે જ ફેર કાવ્યને વીચારપ્રધાન કે ભાવપ્રધાનનાં ખાનાંઓમાં વહેંચે છે. વીચારનો બોજ ઘણી વાર કાવ્યનો નાજુક દેહ ઝીલી ન શકે. ઉર્મીકાવ્યના નાજુક દેહને ઝાકળનોય ભાર લાગે, જો ઝાકળને વીચાર પ્રચારાવવાનું માધ્યમ બનાવીએ તો !

મૌન તો વ્યાખ્યાન માટેનું પણ માધ્યમ બની શકતું હતું આ દેશની શીક્ષણપ્રણાલીમાં : ‘ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્’ જે શીષ્યને ‘છીન્નસંશયા’ બનાવી શકે છે !!

સર્જક મૌન રહી શકે ? એની જીભ કદાચ સક્રીય ન હોય તેથી શું ? સાહીત્યના સર્જકને જીભની શી જરુર ?! એનો સર્જાયેલો શબ્દ, ભલેને તે ફક્ત કાગળ પર જ સર્જાયો હોય,  એટલો શક્તીશાળી હોય છે કે આકાશના ભેદનની માફક હૈયાંનેય ભેદી શકે.  એ શબ્દ આરપાર નીકળી જાય એવો તીક્ષ્ણ પણ હોય છે.

શબ્દની સાધના સૌનો અધીકાર છે. બાળક બોલતાં શીખે છે તે પણ તેની વયને અનુરુપ સાધના જ હોય છે. માતા જ ફક્ત જાણી શકે કે એ બોલતાં શીખ્યો તે સમયે એણે શબ્દની સાથે કેટકેટલી પ્રવૃત્તી કરી હતી ! ખોટું ઉચ્ચારણ કે ખોટી રજુઆતની કેવી શરમ એણે કેવી છોભીલા પડી જઈને પ્રગટ કરી હતી !! માતા (અને જો દાનત હોય તો બાપ પણ) બાળકની શબ્દસાધનામાંથી ઘણું શીખી શકે છે !

આ નેટડે રહીને કીબોર્ડ પર મથનારાં આપણે સૌ શબ્દને પ્રયોજવાની સાથે કેટલી જાગૃતી રાખીએ છીએ તેની તપાસ આપણે જ નહીં કરીએ તો કોણ કરશે ?

આ તપાસ એ પણ સાધનાનો જ એક પ્રકાર છે. શબ્દ ભાવથી ભીંજાઈને કે વીચારથી શણગારાઈને પ્રગટ થવા માગતો હોય છે. ગદ્યમાં શું કે શું પદ્યમાં – શબ્દને સાંગોપાંગ અવતારવા માટે આપણે સાધકની ગંભીરાઈથી મથવું જોઈએ.

 

સાહીત્યમાં ‘ભાવ’ અને ‘રસ’ની કેટલીક વાતો

ભાવ, રસ અને રસનીષ્પત્તી                                                                                                                          – જુગલકીશોર

 

ગયા લેખમાં આપણે નવ સ્થાયીભાવોનાં નામ જોયાં હતાં. હવે જોઈએ કે આ ભાવો શાં કારણે

રહેલા હોય છે ને ક્યારે પ્રગટતા હોય છે ?

જન્મથી જ મનુષ્યોમાં નવ પ્રકારની લાગણીઓ રહેલી હોય છે. તે દરેકને પ્રગટવાનાં કારણો :

રમમાણ થઈ જવાની ઈચ્છા (રતી); પોતાને શ્રષ્ઠ સમજીને બીજાને ઉતરતો ગણીને હસવાની વૃત્તી (હાસ); ઈચ્છીત વસ્તુ દુર થાય તો (શોક); વીયોગને લીધે મગજ તપી જાય (ક્રોધ); તે મેળવવા માટે પોતે નબળો હોય તો (ભય); પોતાનામાં તે મેળવવાની તાકાત હોય તો વીજયી બનવાની તત્પરતા રાખે છે (ઉત્સાહ); ન ગમતી વસ્તુ જોઈને તેનાથી દુર ભાગવું (જુગુપ્સા); અસામાન્ય દૃષ્ય કે કાર્ય જોઈને આશ્ચર્ય થાય છે (વીસ્મય) તથા કેટલીય બાબતોનો/વસ્તુનો ત્યાગ કરવા મન તત્પર થાય છે (નીર્વેદ).

રસનીષ્પત્તી :

નીષ્પત્તીનો અર્થ કોશકાર કરે છે તે મુજબ સમાપ્તી, અંત, ઉપરાંત ‘ઉત્પત્તી’, ‘પ્રાપ્તી’, ‘સીદ્ધી’, ‘પરીપક્વતા’ જેવા અર્થો મળે છે. આપણે અહીં રસ “ઉત્પન્ન” થવા બાબત વાત હોઈ રસનું “પ્રાગટ્ય” એવો અર્થ લઈશું. ગુજરાતીમાં “રસ પડવો” એમ કહીએ છીએ. એમાં પડવો એટલે ઉંચેથી ટપકવો કે એવો અર્થ નીહીત ન હોય પણ રસ “અનુભવવો” એમ લઈ શકાય.

કાવ્ય–સાહીત્યમાં અનુભવાતો આ રસ જીભને થતા અનુભવ કરતાં સાવ જુદો જ છે. ભોજ્ય પદાર્થોનો જીભને જે સ્વાદ મળે છે તેનો અનુભવ કે આનંદ પણ જીભને નથી થતો.

એવી જ રીતે કલાની બાબતમાં ચીત્ર કે શીલ્પને જોયાનો આનંદ આંખ દ્વારા કે સંગીતને સાંભળ્યાનો આનંદ કાન દ્વારા મનને થાય છે પરંતુ કાવ્યાનંદ આ બધા કરતાં વીશેષ પ્રકારનો અને દીવ્ય હોય છે. આપણે ગયા લેખમાં જોઈ ગયા તેમ આ રસાસ્વાદ માનવમનના ભાવોનું –અલૌકીક રુપાંતર થઈને અનુભવાય છે. આ રસને મીમાંસકોએ બ્રહ્માનંદસહોદર પણ કહ્યો છે ! અને તે રસ ક્યાંય બહારથી આવતો નથી પણ વીભાવ, અનુભાવ અને સંચારીભાવોના સંયોજનને કારણે આપણી જ ભીતરે રહેલા ભાવોના રુપાંતરણ પછી પ્રાપ્ત થાય છે. એટલે કે તે રસાસ્વાદ આપણી ભીતરનો જ એક વ્યાપાર છે.

ભારતીય કાવ્યમીમાંસા (વીવેચના)નો ગ્રંથરુપે સૌથી પહેલો આવીષ્કાર ભરતમુનીના “નાટ્યશાસ્ત્ર”થી થયો મનાય છે. અને તે સમયે મીમાંસા મુખ્યત્વે નાટકને જ ધ્યાનમાં રાખીને કરાઈ હતી. ઈ.સ. પુર્વની છેલ્લીથી ઈ.સ.ની પ્રથમ સદીમાં આ રચના થયાનું મનાય છે.  ભરતના નાટ્યશાસ્ત્ર પરથી જ બધાં કાવ્ય–સાહીત્યશાસ્ત્રો પ્રગટ્યાં એમ કહી શકાય.

ગયા લેખમાં માનવમનના ભાવો વીશે આપણે જોઈ ગયા. એમ જ માનવીના મનના ‘સંચારીભાવો’ પણ હોય છે. કાવ્યનો આપણને જે આસ્વાદ થાય છે તેમાં જેમ સ્થાયી ભાવોનું રુપાંતર રસમાં થાય છે તેમ આ સંચારીભાવો પણ રસાસ્વાદમાં બહુ ઉપયોગી કાર્ય કરે છે. પરંતુ સ્થાયીભાવો કરતાં સંચારીભાવો ક્ષણીક હોય છે અને સ્થાયીભાવોની ઉપસ્થીતીમાં જ તે સક્રીય બને છે. કહો કે, સમુદ્રનો જલરાશી જો સ્થાયીભાવ છે તો સંચારીભાવો તે સાગરમાંનાં મોજાં છે ! જેમ સ્થાયીભાવો આઠ (નવ) છે તેમ સંચારીભાવો ૩૩ છે ! આપણા માટે તેને યાદ રાખવાનું બહુ જરુરી નથી છતાં પાથરણું પાથર્યું જ છે તો તેમનેય સંભારી લઈએ ! આ ૩૩ સંચારીભાવો (એને ‘વ્યભીચારી ભાવો’ પણ કહે છે) નામ આ મુજબ છે :

નીર્વેદ, ગ્લાની, શંકા, અસુયા (ઈર્ષ્યા), મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચીંતા, મોહ, સ્મૃતી, ધૃતી, વ્રીડા(લજ્જા), ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વીષાદ, ઔત્સુક્ય, નીદ્રા, અપસ્માર(વીસ્મૃતી), સુપ્ત, વીબોધ, અમર્ષ(અસહીષ્ણુતા), અવહીત્થ(મનોવીકાર છુપાવવા તે), ઉગ્રતા, મતી, વ્યાધી, ઉન્માદ, મરણ, ત્રાસ અને વીતર્ક – આ ૩૩ સંચારી ભાવો ગણાયા છે.

કેટલાક “સાત્ત્વીકભાવો–અનુભાવો (એટલે કે નાયકનાયીકાની ચેષ્ટાઓ)” પણ વીચારાયા છે તેને પણ ગણાવી દઈએ : તે છે, સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વેપથુ(કંપ, ધ્રુજારી), વૈવર્ણ્ય(ફીકાશ), અશ્રુ અને પ્રણય આઠ સાત્ત્વીક ભાવો. (આ આઠ અંગે આપોઆપ સમજ પડી જ જશે તેથી વીવરણ નહીં કરીએ.)

રસનીષ્પત્તી (રસાસ્વાદ) કઈ રીતે થાય છે ?

હવે જરા વધુ ઉંડાં પાણીમાં ડુબકી મારી લઈશું….કાવ્યશાસ્ત્રના આદ્ય કહી શકાય તેવા ભરતમુનીએ પોતાના ગ્રંથ નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે : “विभावानुभावव्यभिचारि संयोगाद् रसनिष्पत्ति:” અર્થાત્

વીભાવ, અનુભાવ અને સંચારીભાવનો સંગોય થાય ત્યારે રસનીષ્પત્તી થાય છે. એટલે કે કાવ્ય–સાહીત્યમાં ભાવકને રસ પડવામાં કારણભુત જે બનાવ છે તે વીભાવ, અનુભાવ અને સંચારીનો સંયોગ થવો તે !   આ ત્રણેય ભેગાં થાય ત્યારે રસ પડે છે. એટલે જ હવે વાતને જરા સહેલી કરીને આ સૌને સમજીએ :

સ્થાયીભાવ તો ભીતરે સુતો છે. કાવ્યવાચન કે નાટક–સીનેમા જોતી વખતે આપણી સામે શબ્દોય આવે અને નટરુપી પાત્રોય આવે. જો શૃંગારરસ પ્રગટવાનો હોય તો તેને માટે સ્થાયીભાવ “રતી”ની સાથે જ કેટલું ‘વર્ણાનાત્મક’ (જેમ કે સંવાદો)કે સ્ટેજ ઉપરનાં કેટલાંક દૃષ્યો વગેરે હાજર રહેવાં જોઈશે. દા.ત. રતી નામના ભાવને જાગ્રત કરીને એનું શૃંગારરસમાં રુપાંતર કરવા માટે ફુલની માળા, એકાંત, સુંદર શણગારો, મજાનું ગીત વગેરે “વીભાવો” એમાં જોડાશે. કરુણરસની નીષ્પત્તી માટે કરુણનો સ્થાયીભાવ શોકને જાગ્રત કરવા માટે સ્વજનનો વીયોગ, સંપત્તીનો નાશ, કોઈ અકસ્માત વગેરે દૃષ્યો આવશે જે કરુણરસ માટેના “વીભાવો” છે.

આટલું પણ જાણે પુરતું ન હોય તેમ, વીભાવની સાથે અનુભાવની પણ જરુર પડશે ! આ “અનુભાવો” એટલે નાટકના પાત્રોમાં જે બાહ્ય ફેરફારો સ્ટેજ ઉપર “દેખાડવા”માં આવે છે તે (ચેષ્ટાઓ). જેનાથી  પ્રેક્ષકોને ખબર પડે કે આ પાત્રને રતી કે શોકની અસર થઈ છે. કથામાંના પાત્રના કોઈ સગાંને અકસ્માત થયાનું સ્ટેજ પર સર્જક દ્વારા જાહેર કરાયું હોય ને છતાં તે પાત્ર હસતો હોય તો પ્રેક્ષકોને પાત્રના કરુણભાવની ખબર કેમ પડે ? નાટકો–સીનેમાઓમાં જોકરનો ‘વેશ’ ઉપરાંત એનાં ‘નખરાં’ એ હાસ્ય માટેના “અનુભાવો” છે ! વીરરસના અનુભાવરુપે પાત્ર ધ્રુજારી બતાવે છે, ક્યારેક પગ પછાડતો બતાવાય છે તે બધું અનુભાવો જ કહેવાય છે. સીનેમામાં બૅકગ્રાઉન્ડ સંગીત પણ ઘણી વાર અનુભાવનું કામ કરતાં જણાશે. બીજી રીતે કહું તો અનુભાવ એટલે અભીનેતાની ચેષ્ટાઓ. આ ચેષ્ટાઓ બે પ્રકારની હોય છે. એક તો અભીનેતા સહેલાઈથી કરી શકે છે જેમ કે મારામારી, ગુસ્સો બતાવવો વગેરે પરંતુ બીજા પ્રકારની ચેષ્ટાઓ માટે પ્રયત્ન કરવો પડે છે, જેમ કે આંસુ લાવવાં, શરીરમાં કંપ બતાવવો, આંખો દ્વારા ભાવ પ્રગટ કરવો વગેરે ! નાટકમાં આ બધું બહુ ઘરું હતું પણ સીનેમામાં જાતજાતની ટૅકનીકોથી બધું સરળતાથી કરી/બતાવી શકાય છે.

આમ વીભાવ (બાહ્ય તત્ત્વો), અનુભાવ (પાત્રોની ચેષ્ટા વગેરે) તથા વ્યભીચારી ભાવો પાત્રોમાં જોવા મળતા ક્ષણીક ભાવો આ ત્રણેયના સંયોજનથી રસ ઉત્પન્ન થાય છે.

ભરતમુની દાખલો આપીને સમજાવે છે કે જે રીતે “ગોળ વગેરે પદાર્થો” ઉપરાંત “વ્યંજન” (મરીમસાલા) વ.ના સંયોજનથી તૈયાર કરેલા પદાર્થ (રસોઈ વગેરે)માં રસ ઉત્પન્ન થાય છે તે જ રીતે વીભાવ, અનુભાવ અને વ્યભીચારીભાવનો સંયોગ થાય એટલે નાટ્યમાં રસની નીષ્પત્તી થાય છે. ને જેમ દ્રવ્ય વગેરેથી તૈયાર થયેલા ભોજનનો આસ્વાદ લઈને લોકો આનંદીત થાય છે તે જ રીતે નાટ્ય વગેરેમાં સહૃદય ભાવક (પ્રેક્ષક) આનંદ પામે છે.

નાટકમાં ચાર ઘટકો :

૧) સર્જક (કવી–સાહીત્યકાર); ૨) કથાનું પાત્ર દા.ત. દુષ્યંત, રામ વગેરે; ૩) પાત્રને ભજવનાર નટ/અભીનેતા તથા ૪) ભાવક (પ્રેક્ષક–વાચક).

(નાટકમાં આ ઉપરાંત, સ્ટેજવ્યવસ્થા, પોષાક, સંગીત વગેરે પણ હોય છે પણ તેને આજના આ લેખ સાથે સીધો સંબંધ નથી)

સર્જકની રચના જ્યારે ભાવક પાસે જાય છે ત્યારે સર્જક જાણે એક બાજુ થઈ જાય છે. પહેલાંના જમાનાના સર્જકો ભવભૂતિ, કાલીદાસ, બાણ વગેરેને સદીઓ પછી પણ સહુ યાદ કરે છે જ્યારે સીનેમાની કથા રચનારનું નામ પણ કોઈ લેતું નથી !! ખરેખર તો સર્જકના ચીત્તમાં જે દીવ્યરસ અનુભવાયો ને તેનાથી સર્જન કર્યા વગર રહી જ ન શકાયું તે અમુલ્ય કૃતીમાં સર્જકે ભરપુર રસ પુર્યો હતો. એના ચીત્તનો સમગ્ર ભાવસાગર ભાવક/પ્રેક્ષક–વાચકને તે સોંપી દે છે તે રસસાગર પછી સૌનો બની જાય છે. નાટક કે કથાનાં પાત્રો જેમ કે રામ વગેરેને નટો જીવતાં કરે છે. નટ પોતે પણ સર્જકના ચીત્તમાંથી પ્રગટેલાં પાત્રોને જાતે “અનુભવે” છે. નટ ભુલી જાય છે કે તે કોઈ ધંધાદારી નટ છે ! સ્ટેજ પણ આવતો નટ પ્રેક્ષકને મન નટ નથી પણ ખુદ રામ જ છે !

(આજે તો અભીનેતાઓનાં નખરાંને કારણે સમાજમાં તેઓ નાટકનાં પાત્રોરુપે નહીં પણ સેલીબ્રીટી. સ્ટારરુપે જીવે છે ને તેથી ઘણી વાર સીનેમાની સ્ટોરી કહેનારાંઓ “ધર્મેન્દ્રે આમ કર્યું ને અમીતાભે તેમ કર્યું…..ને પછી તો એણે વીલનને જે માર્યો છે !! કથામાં તો વીલન પણ કોઈ ‘પાત્ર’ હોય છે પણ તેને સ્ટોરી કહેનારો યાદ નહીં કરે ! ભાવક–પ્રેક્ષકના મનમાં અભીનેતાઓની એટલી ઘનીષ્ટ છાપ હોય છે કે કથા પાત્રોની નહીં પણ જાણે કે અભીનેતાઓની હોય !!

શ્યામ બેનેગલ જેવા ધુરંધર ડાયરેક્ટરે એટલે જ પોતાની પ્રથમ હીન્દી ફીલ્મો ‘અંકુર’ અને ‘નિશાંત’માં સાવ નવા અભીનેતાઓને લઈને પ્રેક્ષકોને કથાનાં “પાત્રો”માં જકડી રાખ્યા હતા !! જોકે આગળ જતાં પછી તો એ બધાં જ અભીનેતાઓ નામાંકીત થઈ ગયાં !)

પ્રેક્ષક કે “ભાવક–વાચક” પણ નટોના અભીનયથી (કે કથાના વાચનથી) સર્જકની મુળ કથામાં રહેલા ભાવસાગરમાં ડુબી જાય છે ! ને એમ વાચક, ભાવક, પ્રેક્ષક સુધી “સર્જક”નું ભાવજગત રસરુપે આસ્વાદ પામે છે ! કથાના વાચન દરમીયાન તે દરેક ઘુંટડે રસ અનુભવે છે ને કથાના અંતે દીવ્યાનુભુતી કરે છે.

આ બધું જે  કાંઈ સર્જક–પાત્ર–નટ–પ્રેક્ષક વચ્ચે બન્યું તે શાથી બન્યું ? તો જવાબ છે, સાધારણીકરણને કારણે ! સાધારણીકરણ એ કાવ્ય–સાહીત્યનું અનીવાર્ય અંગ છે. વાચક જો પોતાનું અસ્તીત્વ પણ ઘડીભર માટે ભુલી જઈને કથામાં રમમાણ ન બને તો કૃતી સફળ ગણાતી નથી. વાચક–ભાવક–પ્રેક્ષક કથાના માધ્યમથી સર્જકચીત્ત સાથે જોડાય છે. પોતે ખુરશીમાં બેસીને નવલકથા વાંચતો હોય કે સીનેમા–નાટક જોતો હોય ભલે, પણ તે ખુરશીમાં બેઠો છે તે ભુલીને કથાના જગતમાં ઘડીભર વીહાર કરી આવે છે !!

*****   *****   *****

આપણા માનવંતા વીવેચક શ્રી નગીનદાસ પારેખ પાસેથી કેટલુંક –

“રસનો આસ્વાદ બધાને જ થતો નથી. સહૃદયોને જ થાય છે. કવિના હૃદયની સાથે તાદાત્મ્ય સાધવાની શક્તિ જેનામાં હોય તેને સહૃદય કહેવાય. જેમ કાવ્યરચના માટે પ્રતિભાની જરૂર પડે છે તેમ કાવ્યાસ્વાદ માટે પણ પ્રતિભાની જરૂર પડે છે.

“અભિનવગુપ્તે કહેલું કે, કવિના હૃદયમાં રહેલો રસ એ મૂળ છે; તેમાંથી પ્રગટેલું કાવ્ય તે વૃક્ષ છે; નાટકના અભિનયાદિ વ્યાપારો તે પુષ્પ છે અને સામાજિક (પ્રેક્ષક–ભાવક)ને થતો રસાસ્વાદ તે ફળ છે.”

કાવ્યશાસ્ત્રના અભ્યાસ બાબત :

 “આપણે ત્યાં નવું શિક્ષણ શરૂ થયા પછી આપણી પ્રાચીન જ્ઞાનપરંપરા સાથેનો આપણો સંબંધ લગભગ કકપાઈ ગયો અને તેથી આપણે એ જ્ઞાનવારસો ગુમાવી બેઠા જેવું થયું. કાવ્યશાસ્ત્રમાં પણ એમ જ થયું….આધ્યાત્મિક ચિંતન અને કાવ્યચિંતન એ બે ક્ષેત્રો એવાં છે, જેમાં જગતના વિચારરાશિમાં આપણા દેશનો ફાળો ઘણો મહત્ત્વનો અને કીમતી છે. એટલે એ બે જ્ઞાનશાખાઓમાં તો આપણે આપણા દેશની પરંપરા સાથે અનુસંધાન સાધવું જ જોઈએ.” રા.વિ. પાઠક (વી.નિરીક્ષા)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

સંદર્ભો : ‘પ્રાચીન કાવ્યશાસ્ત્ર’ : મૂળ લેખક : ર.પં. કંગલે : અનુવાદ: જશવંતી દવે/જયા મહેતા

‘ભારતીય કાવ્યમીમાંસા’ ડૉ. અરુણચંદ્ર ડી. શાસ્ત્રી.

‘વીક્ષા અને નિરીક્ષા’ : નગીનદાસ પારેખ

‘ગુજરાતી સાહિત્યકોશ – ૩’ : ગુ.સા.પરિષદ

 

 

 

 

 

કરુણરસની ફીલ્મો પણ કેમ “માણવી” ગમે છે ?!

કરુણરસપ્રધાન વાર્તાઓ, ફીલ્મો, સીરીયલો કેમ વારંવાર “માણવી” ગમે છે ?!

– જુગલકીશોર

જીવનમાં કોઈ અજાણ્યાંનું દુખ પણ આપણને ગમતું નથી. કોઈ પણ કરુણ પ્રસંગ જીવનમાં બને છે ત્યારે આપણને અરેરેટી થઈ જાય છે. પરંતુ અનેક જાણીતી વાર્તાઓ, ફીલ્મો આપણને ક્યારેય કંટાળો પણ આપતી નથી !! રામાયણ–મહાભારતથી લઈને કેટલાંક મહાકાવ્યો તથા આજકાલ બહુ જોવાતી ફીલ્મોમાં અત્યંત કરુણ પ્રસંગો આવતા હોવા છતાં તે આપણે “રસપુર્વક” માણીએ છીએ ! તો શું કલાક્ષેત્રના આ બધા અનુભવ વેળાએ આપણે માનવતા ગુમાવી બેઠાં હોઈએ છીએ ? આવી દયા ઉપજાવતી બાબતો આપણને કેમ બહુ “ગમે” છે ?

વાત વીચારવા જેવી તો લાગે છે, ખરું ને ?

આ અંગે વીચારવું જ હોય તો ચાલો, કંઈક વીગતે વાતો કરીએ. અને આ વાતો કરતી વેળા આપણે કેટલાક શબ્દો સાથે ભાઈબંધી બાંધવી પડશે. આમાંના કેટલાક શબ્દો છે તે આ :

ભાવ, વીભાવ, અનુભાવ અને રસ. તો સાથે સાથે બેએક શબ્દો બીજા પણ છે તે સાધારણીકરણ અને બહ્માનંદસહોદર આનંદ !!

સાવ સરળ ભાષામાં કહું તો “ભાવો” છે તે દુનીયાભરના સૌ માનવોના જીવનમાં એકસરખી રીતે અસર કરનારી લાગણીઓ છે. દુનીયાના કોઈ પણ ભાગે જાઓ તો પણ દુખ, હાસ્ય, પ્રેમ, ભય, ક્રોધ વગેરે લાગણીઓ બધાં જ માનવીઓમાં એકસરખી જોવા મળશે. માનવજીવનમાં જોવા મળતી આ લાગણીઓને ભાવ કહેવામાં વે છે.

આ જ ભાવોને કાવ્ય–સાહીત્યમાં જ્યારે નીરુપવામાં, આવે છે ત્યારે તે સર્જકે રજુ કરેલી એની વીશીષ્ટ અને અ–લૌકીક દુનીયાની બાબત બની રહે છે. એ ભાવો આપણી “લાગણીઓ” જ હોવાને કારણે જ્યારે તે આપણા અંગત જીવનની હોય ત્યારે આપણને દુખ વગેરેનો અનુભવ કરાવે છે. આપણું કોઈ માણસ બીમાર પડે તો દુખ થાય તેવું બીજા માણસોને ન જ થાય; એક માણસને કોઈના પ્રત્યે પ્રેમ થાય તો તે જ વ્યક્તી માટે બીજાં સૌને પ્રેમ નહીં થાય કારણ કે તે તે બાબત આપણા જગતવ્યવહારોની હોવાથી આપણી “અંગત” બની રહે છે જ્યારે સાહીત્યની દુનીયાનાં પાત્રો દ્વારા તે બાબતો પ્રગટ થવાને કારણે જગતભરનાં સૌ કોઈ માટે એ “સર્વસાધારણ” બાબત બની જાય છે.

એ બાબતો કલ્પનાના જગતની હોવાથી આપણા પોતાના જીવનથી ઘણે ઉંચે રહેલી હોય છે. જેમ સુર્ય ને ચન્દ્ર બહુ ઉંચાઈ પર હોવાથી દુર દુર રહેલાં સૌ કોઈને તે સરખા જ અને એક જ જગ્યાએ રહેલા દેખાય છે ને એક સરખી જ અસર કરે છે તે જ રીતે સાહીત્યમાં નીરુપાયેલાં પાત્રોના જીવનમાં બનતી બાબતો સર્વસાધારણ અસર કરે છે. સાહીત્યનો શૃંગાર કે સાહીત્યનો કરુણ કે હાસ્ય આપણા પોતાનો સુવાંગ ન રહેતાં સૌનો હોવાથી એ એક “નવા જ પ્રકારનો અનુભવ” કરાવે છે…..

આ “નવા જ પ્રકારનો અનુભવ” એટલે કયો અનુભવ ?!

કાવ્યશાસ્ત્રમાં તેને “આનંદ”નો અનુભવ કહે છે.

પરંતુ આવી જુદાજુદા પ્રકારની ચીત્રવીચીત્ર  લાગણીઓનું પણ ‘આનંદ’માં કેમ રુપાંતર થતું હશે ?

તો તે માટે કહેવાયું છે કે કાવ્ય–સાહીત્યમાં નીરુપાયેલા ભાવો જ્યારે પ્રેક્ષક–વાચક પાસે પહોંચે છે ત્યારે તે ‘ભાવ’નું “રસ”માં રુપાંતર થઈ જાય છે !! બાહ્યજગતમાં આપણને થતી લાગણીઓ જેને

આપણે ભાવ કહીએ છીએ તે ઉંચા પ્રકારના કાવ્ય–સાહીત્યમાં “રસ”રુપ બની જાય છે ! અને તેથી જ તે દુખદાયક હોવા છતાં એ રસ, આપણને આનંદનો અનુભવ કરાવે છે જેને વારંવાર માણવું ગમે છે.

હવે જોઈએ કે એ ભાવ તથા રસ કયા કયા છે ?

ભાવો : ૧, રતી / ૨, હાસ /  ૩, શોક /  ૪, ક્રોધ /  ૫, ઉત્સાહ /  ૬, ભય / ૭, જુગુપ્સા / ૮, વીસ્મય

આ જ આઠ ભાવોનું રુપાંતર થતાં તે અનુક્રમે કહેવાય છે રસો :

૧, શૃંગારરસ / ૨, હાસ્યરસ / ૩, કરુણરસ / ૪, રૌદ્રરસ / ૫, વીરરસ / ૬, ભયાનકરસ / ૭, બીભત્સરસ અને / ૮, અદભુતરસ (આઠમો ભાવ તે ‘શમ’ જેનું રુપાંતર ‘શાંતરસ’માં થાય છે.)

(વધુ તા. ૬, ૬, ૧૬ના રોજ)

 

ટુંકી વાર્તા – નવલીકા અંગે

ટુંકી વાર્તા અંગે (૨)                                                                                                                                              – જુગલકીશોર

વીસમી સદીમાં હેન્રી જેમ્સ દ્વારા વાર્તા માટે સ્ટોરી શબ્દ વપરાતો થયો. એમાં પણ અવારનવાર આવનારો શબ્દ હતો ફીક્શન. ફીક્શન એટલે ઉપજાવી કાઢેલી વાત. બીજા અર્થોમાં તો “નોન ફેક્ચ્યુઅલ લીટરેચર” અને “ઈન્વેન્ટેડ આઈડીયા” પણ કહેવાયું હતું. બીજી રીતે ‘સર્જવું’ એ શબ્દ પણ ફિક્શનમાં ગણાયો….આપણે ત્યાં તો છેક આપણા મધ્યકાળમાં પણ વાર્તા શબ્દ હતો. પશ્ચીમમાં તે મોડો આવ્યો એમ કહેવાય…..

વાર્તામાં સર્જન, કશું ઉપજાવી કાઢેલું વગેરે આવે. આપણે ત્યાં સર્જકને બ્રહ્મ કહ્યો કારણ કે તે પોતાની એક નવી દુનીયા સર્જે છે. (આ સર્જનો માટે સર્જક, ઈશ્વરની કલ્પના મુજબની સર્જાયેલી આપણી દુનીયાનો આધાર લઈને તેની નકલ કરતો હોઈ પ્લેટોએ એને નકલની નકલનીય નકલ કરનારો કહીને પોતાના ‘આદર્શ નગર’માં રહેવાની ના પાડી હતી !!)

આ રીતે જોતાં સર્જકની વાર્તા કલ્પના અને વાસ્તવનું મીશ્રણ હોય છે. આ વસ્તુ–થીમ લઈને સર્જાતી વાર્તામાં કથા હોઈ એને પ્રગટ કરવાની રીતને ‘કથન’ અને વર્ણવીને કહેવાની હોવાથી ‘વર્ણન’ એ બે શૈલી આપણે ત્યાં પ્રાચીન સમયથી ચાલી આવી છે. આખ્યીકાઓ પણ આની સાથે જ રહી. પ્રાચીન અને મધ્યકાળમાં ‘લોકો સમક્ષ’ બોલીને રજુ થતી આ રચનાઓ કથા–આખ્યાયીકાઓ કરતાં નવલીકા (ટુંકી વાર્તા) સહજ રીતે જ જુદી પડે. પરંતુ નવલકથાની જેમ જ નવલીકાનું સ્વરુપ પણ મુદ્રણકળાના વીકાસની સાથે જ વીકસ્યું છે. મુદ્રણકળા પછી આ સ્વરુપોમાં પણ આમુલ પરીવર્તન આવ્યું.

જુના સમયે લોકો સમક્ષ આદર્શ નાયક–નાયીકાઓ જ મુખ્ય પાત્રો હતાં. સામાન્ય માણસ અંગે વાર્તા સર્જાતી ન હતી. આધુનીક સમયમાં સામાન્ય માણસોના સામાન્ય પ્રસંગોને પણ વાર્તાનો વીષય બનાવાયો. પછી તો અત્યંત વાસ્તવીક વાતોને જ પ્રાધાન્ય મળતું ગયું. વાર્તા લખાતી થઈ તે પહેલાં કંઠોપકંઠ ચાલતી રહેલી વાર્તામાં નાયકનાયીકાઓને શ્રોતા સમક્ષ કઈ રીતે ઉપસાવી શકાતાં હશે ? આખ્યાન કરનારાઓ વાર્તાને લડાવી લડાવીને કહેતા હોય, માણભટ્ટ તરીકે આળખાતા એ પાઘડીયાળા કથાકારો સાથે સાથે ગીતસંગીતને પણ પ્રયોજતા હોય, સામે જ બેઠેલા શ્રોતાઓ સમક્ષ કેટલુંક, જરુર પડ્યે અભીનયથી પણ સમજાવતા હોય, સામે બેઠેલો રસીકગણ તાળીઓથી કે માથાં હલાવીને કથાકારને પોરસ ચડાવતા હોય કે આંખોમાં આશ્ચર્ય કે કરુણતાના ભાવો બતાવીને કથામાં ટેકો કરતા હોય ત્યારે વાર્તા કેવી જામતી હશે ?! આજે એકાદ કોમેન્ટ પણ મળતાં નેટલેખક કેટલો ખુશ થઈ જાય છે તેવે સમયે સામે જ બેઠેલો ભાવક કેવો ભાગ ભજવી જતો હશે ?!!

આજની વાર્તાનું સ્વરુપ ચેખોવ અને મોપાસાંથી ઘડાયું છે તેમ કહેવાય છે. મોપાસાંની શૈલી સીધીસાદી ને સરળ હતી જ્યારે ચેખોવનું કથાવસ્તુ સંકુલ, પ્રસંગોના સમયગાળાને આઘુંપાછું કરીને ગોઠવાયેલું રહેતું.

એડગર એલન પો પણ વાર્તાની રુપરચના અંગે ઘણું કહી ગયા છે. એમના કહેવા મુજબ વાચક સમક્ષ પુરી છાપ ઉપસાવવા માટે સ્વાભાવીક લાગે તેવા જ પ્રસંગોની સરખી ગોઠવણી થવી જોઈએ. એટલું જ નહીં પણ વાર્તામાં ઉપયોગી ન હોય તેવું કશું જ ન લેવું જોઈએ. આ જ વાતને ચેખોવના શબ્દોમાં કહીએ તો વાર્તામાં વાર્તાકારે જો ક્યાંય દીવાલે લટકતી બંદુક બતાવી હોય તો વાર્તામાં તે ક્યારેક ફુટવી તો જોઈએ જ ! અર્થાત ટુંકીવાર્તામાં કોઈ પણ બાબત નકામી ન હોવી જોઈએ. ઘટનાપ્રધાન વાર્તા એવો શબ્દ પ્રચલીત છે તે ખરું પણ ઘટના વગરની વાર્તા હોઈ શકે ખરી ?  પુછવા જેવો સવાલ છે. વાર્તામાં ઘટનાને જ બાદ કરીને વાર્તાને સાહીત્યના સ્વરુપે તેને બેસાડવાની ચેષ્ટા થતી રહે છે. પણ જેને કથાતત્ત્વથી જ ઓળખાતી હોય તેમાં ઘટના જ ન હોય તે શી રીતે બને ? ટુચકા કે રમુજોની જેમ મુકી દેવાતી ચીજને વાર્તા ગણી લેવાના પ્રયત્નો થતા હોય તો તે અંગેની વીવેચના પ્રગટ થતી રહે તે ઈચ્છનીય છે.

એક મત મુજબ, વાર્તાવસ્તુ (થીમ) જો વાસ્તવીક હોય અને એમાંથી કશું પણ બાદ કરી ન શકાય તેટલું સંક્ષેપમાં હોય તો તે સારી વસ્તુ ગણાય. એક મત મુજબ, વસ્તુ, પાત્રો અને રજુઆતની શૈલી – એ બધાંની ગુંથણી જ મહત્ત્વની બાબત હોય છે. કેટલાકને મતે એક બેઠકે વાંચી શકાય તેને ટુંકી વાર્તા કહેવાય ! છતાં હકીકત એ છે કે દુનીયાભરની વાર્તાઓ અને ગુજરાતની પણ – લંબાણ વગેરેમાં વીવીધ પ્રકારે વહેતી રહી છે.

વાર્તામાં શું હોવું  જોઈએ તે સવાલના જવાબમાં કહી શકાય કે માનવના જીવનઅનુભવો કે જે લાંબો સમય ટકી શકે તેવા ચીરસ્થાયી અંશોનું નીરુપણ થતું રહે તો ઈચ્છનીય છે. પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર તત્ત્વો પર વાર્તાની માંડણી ઉર્મીકાવ્યનો વીષય બની શકે પણ વાર્તામાં તે બહુ લાંબાગાળાની અસર મુકી શકે નહીં. એ જ રીતે વાર્તાકાર પોતાના આસપાસના સમાજને કોરાણે રાખીને વાર્તા રચવા જાય તો તે પણ બહુ ધારી અને લાંબી અસર ઉપજાવી શકે નહીં.

વળી વાર્તાનું વસ્તુ વાર્તાકારે સમાજમાંથી જ લીધું હોવા છતાં તેને તેમાં અનેક ફેરફારો કરવાની છુટ હોય જ છે. પરંતુ મજાની વાત એ છે કે કુશળ વાર્તાકાર વહેવારમાં જે સત્યો અમલમાં હોય છે તેને કલાના માધ્યમથી અ–લૌકીક બનાવીને તે મુકે છે ! આપણી જ દુનીયાની વાતો તેમાં હોવા છતાં તે જાણે કે સ્વપ્નલોકની હોય તેમ તેના અંશો આપણને સ્પર્શી જાય છે ! જે વસ્તુ આપણી સાવ જાણીતી અને રોજીંદી હતી તે જ વસ્તુ જાણે કે કોઈ અગોચર બનીને આવે છે !! આપણી રોજીંદી ઘટમાળમાંથી વાચક થોડા સમય પુરતો જાણે કે મુક્ત થઈને પારલૌકીક વીશ્વમાં સફર કરી આવે છે. ક્યારેક તો એવું પણ બની શકે કે આપણી ચીરપરીચીત દુનીયાને જોવાનાં આપણાં ચશ્માં જાણે બદલી જાય છે ને આપણે જીવનની ઘટમાળને નવારુપરંગમાં જોઈએ, માણીએ છીએ.

આપણે આ પહેલાં જોયું તેમ વાર્તાનાં પાત્રો મધ્યકાલીન સમયમાં રાજાઓ કે ઉપલા વર્ગના નાયકનાયીકાઓ તરીકે રજુ થતાં હતાં પરંતુ આધુનીક વાર્તાએ જીવનના દરેક ક્ષેત્રના માનવીઓને વાર્તામાં વણી લીધાં છે. વાર્તામાં ખાસ કરીને નવલકથામાં પાત્રોનું વૈવીધ્ય ધ્યાન ખેંચે છે. એટલું જ નહીં પણ દરેક પાત્રને વીકસવા માટેની પુરતી તકો નવલકથામાં હોય છે; હોવી જ જોઈએ પણ ટુંકી વાર્તામાં તેવું શક્ય નથી. તેથી ટુંકી વાર્તાનો લેખક પાત્રોનું ચીત્રણ અલપઝલપ કરીને મોટા ભાગનું વાચકની કલ્પના ઉપર છોડી દે છે. સાથે સાથે આ વાર્તાઓનાં પાત્રો એનાં આંતરીક સંચલનોને વીશેષ પ્રગટ કરે છે. બનાવો વધુ બની શકવાની શક્યતા ટુંકી વાર્તામાં નહીંવત હોવાથી પાત્રોના મનની ભીતરની વાતો જ વધુ પ્રકાશમાં આવતી રહે તે સહજ છે……આ પાત્રો જીવનમાંથી જ મળી આવેલાં હોવા છતાં તે જીવનના કેટલાય પ્રવાહોથી ઉફરાં ચાલતાં જોવા મળે છે. વાર્તાનાં પાત્રો આપણી સામાજીક મર્યાદોને કે ચીલાચાલુ પ્રણાલીઓને વશ ન રહે તો તે સહજ છે.

એક બાબત એ પણ છે કે વાર્તા કહેનારો કોણ હોય છે ? તેના અનુસંધાનમાં આપણે  પહેલાં અછડતો ઉલ્લેખ કરી ગયા છીએ કે મોટે ભાગે વાર્તાકાર પોતે જ વાર્તા કહેતો હોય છે જે કથામાં હાજર રહ્યા વગર કથા અને પાત્રો ઉપરાંત ઘટનાઓનું વર્ણન કરતો હોય છે પણ ઘણી વાર વાર્તામાંના પાત્રો દ્વારા જ વાર્તા કહેવડાવીને લેખક એક બાજુ ખસી પણ જાય છે. જો વાર્તાકાર પોતે ત્રીજા પુરુષ એકવચનથી વાર્તા માંડે છે તો તેમાં વર્ણન અને કથન હોય છે, જ્યારે પાત્રો બોલે ત્યારે તે આત્મકથનાત્મક બની રહે છે. બન્ને પદ્ધતીની પોતપોતાની વીશેષતાઓ અને મર્યાદાઓ હોય છે. કોઈ પણ વાર્તાસ્વરુપમાં જોઈએ તો લેખક તો દરેક પાત્રને ઓળખતો જ હોય છે કારણ કે પોતે જ તેનો સર્જક છે. જ્યારે દરેક પાત્ર એકબીજાને પુરાં ઓળખી શકતાં ન જહોય તે સહજ છે. તેથી પાત્રાલેખનની શૈલીમાં  બાબત પણ મહત્તવની બની રહે છે.

ક્યારેક એવો પણ સવાલ થાય કે વાર્તામાં મહત્ત્વ કોનું, પાત્રોનું કે વસ્તુ/થીમનું ? આ બાબત ચર્ચાનો વીષય હોઈ શકે છે. પરંતુ સીદ્ધહસ્ત લેખક તો તેના મનમાં ફુટેલા અંકુરોને અનુરુપ વસ્તુ કે પાત્રોને સર્જે છે. ઘણી વાર વસ્તુ મનમાં પ્રગટે છે ને પછી એને અનુરુપ એવાં પાત્રો સર્જાતાં રહે છે તો ક્યારેક કોઈ એવું તેજસ્વી પાત્ર લેખકના મનમાં આવી વસે છે કે તેના માટે થઈને વાર્તાનું વસ્તુ ને પ્રસંગો સર્જ્યા વીના રહી જ ન શકાય…!

વાર્તાની શૈલીઓમાં એક શૈલી પત્રશૈલી પણ હોય છે. પાત્રો એકબીજાંને પત્રો લખીને વાર્તા આગળ વધારતાં રહે છે. પરંતુ આ એક શૈલીવીશેષથી વધું ખાસ કાંઈ નથી.

ગદ્યસાહીત્યનાં બીજાં સ્વરુપોમાં સૌથી વધુ પ્રચલીત, અને કદાચ વધુ લોકપ્રીય સ્વરુપ વાર્તાનું છે. નવલકથા કરતાં પણ ટુંકી વાર્તા વધુ પ્રમાણમાં લખાયવંચાય તે સહજ છે. લેખકોને પણ તે જ વધુ ફાવતો પ્રકાર છે અને તેના જ કારણે કદાચ એવું સમજાય છે કે ટુંકી વાર્તા લખવી સહેલી છે !! વાર્તાલેખન એ સરળ પ્રકાર છે એવો ભ્રમ સેવાતો જોવા મળે છે પણ ઉર્મીકાવ્યની જેમ જ ટુંકી વાર્તા એ સીદ્ધહસ્ત સર્જકને જ પોતાનું કલેવર સોંપતી હોય છે તે ભુલવા જેવું નથી.

આજે તો ટુંકીનીય ટુંકી ને એનાથીય ટુંકી વાર્તા માઈક્રોવાર્તા બની જવા મથે છે તેવા સમયે મારા જેવાને તેનો પરીચય ન હોવાથી તે અંગે કશું પણ કહેવાની હીંમત આ ક્ષણે તો નથી. આપણા સુજ્ઞ વાચકો–લેખકોમાંથી કોઈ માઈક્રોફીક્શનના નામે ઓળખાતી વાર્તાની શાસ્ત્રીયતા અંગે પ્રકાશ પાડશે તો આ લખનાર જરુર આભારી થશે.

અત્યારે તો ટુંકીવાર્તા અંગે આટલે જ અચ્ચુતમ્ !