“શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી…..”

શશિ જતાં પ્રિય રમ્ય વિભાવરી,

થઈ જતી રખે અંધ વિયોગથી;

દિનરૂપે સુભગા બની રહે, ગ્રહી

કર,  પ્રભાકરના  મનમાનીતા.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાંનો દ્રુત વીલંબીત છંદમાં રચાયેલો આ શ્લોક બહુ જાણીતો છે. કોઈ ‘એક વીશેષ’ના વીયોગથી વ્યથીત થઈ જવું માનવી માટે સહજ છે. અને એમાંય તે, તે વીશેષની જગ્યાએ અન્યને બેસાડવાનું તો એથીય અધીક અકારું હોય છે. સરસ્વતીચંદ્રની અવેજીમાં નવીનચંદ્રને સ્વીકારી લેવાની વાત ગોવર્ધનરામ ઉપરોક્ત શ્લોક દ્વારા મુકે છે.

રાત્રીના સ્વામી ચંદ્રની ગેરહાજરી કે વીદાયથી રજની (વીભાવરી)ને થનારા શોક માટે કહે છે કે, વીયોગથી તું અંધ ન બની જઈશ. જુઓ, અહીં શોક ન કરવાનું નથી કહ્યું પણ શોકમાં અંધ ન થઈ જવાનું કહેવાયું છે. કોઈની પણ વીદાય એ જીવનનો સ્વાભાવીક ક્રમ છે. બધું આપણા હાથની વાત નથી હોતું. ન ધારેલું– ન ઈચ્છેલું બને ત્યારે કદાચ વીહ્વળ થઈ જવાય; ક્યારેક માર્ગ ન સુઝે ને નીરાશા, નીર્વેદ વ્યાપી જાય તેમ પણ બને પરંતુ તેથી આગળ બાકી રહેલા જીવનમાર્ગને જોવા માટે જ આપેલાં ચક્ષુઓને બંધ કરી દેવાનો તો કોઈ જ અર્થ નથી ને ? સર્જકે મુકેલી કર્ણપ્રીય શબ્દાવલી માણો – ‘પ્રીય, રમ્ય વીભાવરી’ !!

છંદયોજના પણ કેવી મજાની છે ! આરંભના છ અક્ષરોમાં પાંચ લઘુ પછી એક જ ગુરુ અક્ષરથી એક વાતને – જરા અટકીને – ઝડપથી પસાર કરી દેવાય છે ને પછીના છ અક્ષરોમાં ત્રણ ગુરુ મુકીને શીખામણરુપે આવનારી વાતને વજન જાણે કે અપાયું છે !! દરેક પંક્તીમાં આ ક્રમ જોવા મળશે. પ્રથમ છ અક્ષરોમાં જે હકીકત બની કે બની રહી છે તેને ઝડપથી પસાર કરી દઈને હવે હાથ પર લેવાની વાતને ત્રણ ગુરુઓ દ્વારા ધીરેથી, ધ્યાન આપવા માટે જ જાણે કે રજુ કરાઈ છે !!

રાત્રીને કહેવાયું છે કે ચંદ્ર ગયો, તો તું ખુદ દીવસરુપ બની જા ! રાત્રી એ સ્વપ્નભુમી છે. સ્વપ્ન ખોટાં પડે; ધારેલું, સેવેલું, ઈચ્છેલું ચંદ્રરુપી ભાગ્યદાતાની ગેરહાજરીને કારણે હાથ ન લાગે, હાથમાં ન આવે, ઈચ્છા પાર ન પડે ત્યારે જે કાંઈ આવી મળે તેને જ, આવનારા સમય માટેના આશીર્વાદ ગણી લઈને સ્વીકારી લેવું તે – ખાસ કરીને મહત્ત્વની સામાજીક વ્યક્તી માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.

રાત્રી દરમીયાન આપણને મળેલો સમય – ચંદ્ર હોય કે ન હોય – પુરો કરવાનો હોય છે. કારણ કે પછી તો દીવસ આવવાનો થશે. જાણેઅજાણે અહીં રાત અને દીવસને એકબીજાને અનુકુળ–અનુરુપ થઈને રહેવાની વાત સુચવાય છે.

ચંદ્રની જગ્યાએ સુર્ય, પ્રભાકરને મનમાનીતો બનાવવાનું આ સુચન વીધવાવીવાહને પણ સમજાવનારું બની રહે છે ! અહીં સુર્યને ‘પ્રભા–કર’ કહીને કેવું સરસ કામ લીધું છે ! કર ગ્રહીને એટલે કે કરગ્રહણ–લગ્ન કરીને, આ નવ અવતાર જાણે કે ધારણ કરવાની ક્રાંતીકર વાત સરસ રીતે મુકાઈ છે.

એવો જ એક બીજો શબ્દ ‘સુભગા’ જુઓ ! સુભગા એટલે સુંદર ઉપરાંત સૌભાગ્યવતી ! કુદરતે આંચકી લીધેલા રાત્રીના ભાગ્યને, રાત્રી તું ખુદ દીવસનું રુપ ધારણ કરીને સૌભાગ્ય મેળવી લે એ વાત ઉપમા–રુપકો દ્વારા કાવ્યમય બાનીમાં રજુ થઈ છે ! કારણ કે સૌ જાણીએ છીએ કે સુર્યના આવતાં તો રાત્રીનું અસ્તીત્વ જ રહેતું નથી ! સરસ્વતીચંદ્રના જવાથી કુમુદનો એક અવતાર જાણે કે પુરો થાય છે તો શું તેણે જીવ આપી દેવો ?

ના. જે લોકો કોઈ મોટું કાર્ય હાથ પર લેવા માગતા હોય તેણે પ્રતીકુળતામાં જીવનનું બલીદાન આપી દેવાનું હોય નહીં. એણે જુદા જ સ્વરુપે, જુદા જ સંજોગોમાં, જુદાં ને નવાં જ સાધનો દ્વારા પોતાના લક્ષ ભણી આગેકુચ કરવી જ રહી !! ચંદ્ર હોય કે પ્રભાકર હોય – એ બન્ને તો સમગ્ર બ્રહ્માંડનાં રમકડાં જ છે. બીજી રીતે કહીએ તો તેઓ જીવનપોષણ માટેનાં સંસાધનો માત્ર છે. એનો ઉપયોગ જીવનકાર્યો માટે, ભલે ને એકની અવેજીમાં બીજા દ્વારા, પણ કરવો પડે તો તેમ કરવાનું સાવ સહજ ગણી લેવું રહે. એને મનમાનીતું સાધન બનાવીને જ આગળ વધવાનું હોય – અટકી પડવાનું કે વીલીન થઈ જવાનુ આવા ખમતીધરોને ન જ પોસાય !

– જુગલકીશોર.

એક પત્ની–પ્રેમ–પંક્તીનો આ સ્વાદ !

“કરીએ છ પ્રેમ કેટલો તમને, ખબર નથી;

જાણું, ન જીવી શકતો તમારા વિના કદી !” 

– અજ્ઞાત

 

સામાન્ય રીતે કાવ્યસર્જકો તો પોતાને મન–મગજમાં જે આવ્યું તે કાગળ પર ઉતારી મુકતા હોય છે. એમનું કામ સર્જવાનું. (કેટલાકો એમાં મઠારકામ કરીને મુકતા હોય છે તો કેટલાકો તે કામને જરુરી ન ગણીને જેમનું તેમ મુકી દે છે….)

કાવ્ય વાચક સમક્ષ આવે, ખાસ કરીને વીવેચક પાસે આવે પછી એનું અર્થાનર્થ ઘટન (એટલે કે અર્થ–અનર્થઘટન) થતું હોય છે. સામાન્ય રીતે કાવ્યના શબ્દોની ત્રણ શક્તીઓ કહી છે. અભીધા, લક્ષણા અને વ્યંજના. અભીધા એટલે શબ્દપંક્તીનો પહેલો, સહેલો ને સામે જ દેખાતો અર્થ; લક્ષણા એટલે પંક્તીના શબ્દો ચીલાચાલુ અર્થ ન આપે પણ આપણે સમજી લેવાનો તે અને વ્યંજના એટલે પંક્તીશબ્દોમાંથી વાચકની તાકાત (!) પ્રમાણે નીકળતા પણ તર્કબદ્ધ હોવાની શરતે મળતા અનેક અર્થો !

ઉપરોક્ત પંક્તીઓમાં સાધારણતયા હોય છે તેવો પત્નીપ્રેમના અતીરેકનો ભાવ પ્રગટ થયો છે. “તમારા વન્યા હું નૈં રહી શકું !” આટલામાં પતાવી દીધું હોત તો ચાલેત પણ સર્જક થોડું છાશમાં પાણી રેડીને ચોખવટ કરે છે કે, તમારા માટેનો અમારો પ્રેમ (આવા પ્રસંગે બન્નેઉ માટે માનાર્થે આપણે બહુવચન વાપરવાનાં હોય તે વાચકની જાણ સારુ…) કેટલો છે તે અમે – એટલે કે હું જાણતા નથી….કેટલો એ શબ્દનો અર્થ સ્પષ્ટ થતો નથી. કેટલો તે વજનમાં માપવાનો છે કે અન્યથા તે સર્જક  જાણે પણ એ ભાઈને પોતાના પત્નીપ્રેમના પ્રમાણની ખબર નથી એ નક્કી.

આપણે એટલે કે વાચકોએ શું સમજવાનું ?

અને જેને સંબોધીને આ લીટી લંબાઈ છે તે “સામેવાળાં”એ (શ્રીમતીજીએ) શું સમજવાનું ?

બીજા સવાલની માથાકુટ કાવ્યભાવન કરનાર એટલે કે ભાવકે, એટલે કે વાચકે કરવાની રહેતી નથી. એના એટલે કે પેલા “આ તરફવાળા” ભાઈના પ્રેમના માપની ચીંતા સામાવાળા કરશે. 

હવે આપણે, એટલે કે આ લખનારે અને તમ વાંચનારે, આ બે ભાગમાં વેંચાયેલી એક લીટીનો વીચાર કાવ્યના આ(વા)સ્વાદ માટે કરવાનો રહે છે. તો –

કાવ્યપંક્તીનો પહેલો અર્થ તો આપણે જોઈ ગયા. હવે અમને એટલે કે આ લખનારને જે અર્થ સમજાણો તેની વાત કરતાં સુજે છે કે આ લીટીનો કોઈ ગુઢાર્થ છે એ નક્કી.

આ પંક્તીના સર્જનાર કહે છે કે તમારા તરફનો અમારો પ્રેમ – વજનમાં, લંબાઈમાં કે જથ્થામાં કેટલો છે તેની ખબર નથી તે સાચું પણ તેની જરુર પણ શી છે ?! જગતના કોઈ પ્રેમીએ કદી એને માપવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો જાણ્યો છે ખરો ? (ગુજરાતીઓનો જાણીતો શબ્દપ્રયોગ “અમારે કેટલા ટકા ?” તે અહીં ઉપયોગી થાય તેમ નથી !) પરંતુ પ્રેમીનો જે અગાધ અથવા અમાપ પ્રેમ છે જ તેની ખાત્રી તો પંક્તીના બીજા ભાગનું વીચારજગત પામીએ તો જ ખબર પડે તેવું છે ! ભલે ને પ્રેમના માપની ખબર ન હોય, પણ તમારા વગર અમે જીવી જ ન શકીએ એ વાત જ અમારા અમર પ્રેમની સાબીતી આપે છે ! 

હવે રહી વાત આ ન જીવી શકવા બાબતની. આ અમર પ્રેમપંક્તીના અનેક અર્થો થઈ શકે છે. 

“જાણું, ન જીવી શકતો તમારા વિના કદી !”

આ કાવ્યની ઉત્તમતાની તો ખબર નથી પણ પ્રેમની ઉત્તમતા જાણવા માટે તો એની પાછળ રહેલા ગુઢાર્થને સમજવા મથવું જોઈએ ને ? બહુ ઉંડો વીચાર કર્યા પછી અમે જે અર્થ, કહું કે ગુઢાર્થ પામી શક્યા છીએ તે આટલો :

“ફેમીલી ડૉક્ટરે કાવ્યનાયકને બહારનું ખાવાની મનાઈ કરી હોઈ એના જીવવાનો બધો જ આધાર શ્રીમતીના હાથની રસોઈ પર જ અટકેલો છે. પરીણામે આ પંક્તીનો અન્વય કરીને લખીશું તો સ્પષ્ટ થશે કે

“જાણું, ન જીવી શકતો તમારા (રાંધેલા ભોજન) વીના કદી !”

મને લાગે છે કે સમગ્ર પંક્તીનો અર્થ, અનર્થ, ગુઢાર્થ, વ્યંગ્યાર્થ જે ગણો તે બધો ‘હવે’ સમજાઈ જવો જોઈએ.

અસ્તુ.

– જુગલકીશોર.

(કંઇ) કહેવાય નહીં !!

આ શ્હેર સજી શણગાર ઉભાં, ભરમાવી દે, કહેવાય નહીં;
એ  ઝૅર જીવનમાં કૅર  કદી વરતાવી  દે, કહેવાય  નહીં.

આ  ઝ્હેર ઑકતાં  શ્હેર કદી ભડકાવી  દે, કહેવાય  નહીં;
આ ઝૅર  આપણાં અંગોને  અભડાવી  દે, કહેવાય  નહીં !

આ  રસ્તે રસ્તે  રૅંકડીઓ, આ ગલીએ ગલીએ લારી પર
બણબણતાં નરનારી ને મૉત્ અપનાવી લે,કહેવાય નહીં !

આ  ફાસ્ટ-ફૂડનાં  ફળિયાંમાં,  આ  ઝંકફૂડની   ઝંઝામાં
આ ઘરનો રસ્તો  હોસ્પિટલ  બતલાવી દે, કહેવાય નહીં !

આ‘ગરમ’,‘નરમ’,ઠંડાંપીણાંની શોભિત બૉટલ રાહ જુએ-
જીવતાં જ મુખે જઇ ‘ગંદાં જળ’ પધરાવી દે,કહેવાય નહીં!

આ હોલીવૂડ, બોલીવૂડ,જૉલીવૂડ  ખીસ્સાને  ગમી ગયાં-
ખીસ્સું જ નથી, એનું જીવન કકળાવી દે, કહેવાય નહીં!

આ પરદા પરનાં સ્ટાર, રમતવીરોનું ધન છલકાતું રહે-
વાસ્તવ જીવનારાંને સ્વપ્ને  ટટળાવી દે, કહેવાય નહીં !

હું બ્લોગ સજાવી મારો, સૌના બ્લોગ  મૌનથી માણું છું;
ફરમાઇશ મઝબુરન કલમું પકડાવી  દે,કહેવાય નહીં !!  

– જુગલકીશોર

સાર્થ શબ્દ : શબદ–અક્ષરનાં રહસ્યો

વાચક !!

(મીશ્ર છંદ)

કાળું ડીબાંગ ત્યહીં આભનું પાટીયું, મહીં

તેજે ભર્યા અકળ તારકઅક્ષરો ઘણા;

પેખું, પરંતુ નહીં એનું રહસ્ય ઉકલે

ઉભો અવાચક બની રહું રે નીરક્ષર !

કોઈ અચાનક જરી પીઠ હાથ ફેરવે

અગમ્ય એ તારકઅક્ષરો તણી

રહસ્ય–ભાષા સમજાવવા મથે.

ઉંચા સ્વરે દસદીશેથી સુણાય શબ્દ

શબ્દાર્થ તોય સમજાય નહીં કશોય;

ઉંડાણથી ક્યહીંક કોઈ ધ્વની અચીંતો

સુણાય, ને પ્રગટ તુર્ત જ અર્થ શબ્દનો !

પામી રહું શબદ–અક્ષરનાં રહસ્યો !!

અનંત, ઉંડાણભર્યાં અ–શબ્દનું

રહસ્ય પામી શકું ના; ની:શબ્દ હું !

જુગલકીશોર

“વેળાના વાયરા”નો રસાસ્વાદ

 મૂળ રે વછોયાં અમે ઝાડવાં,
ડાળ રે વિનાનાં પીળાં પાન;
વેણ રે વિહોણી ઝીણી જીભડી,
કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન;
વેળાના વાયા રે વેરી વાયરા.....
              અરવિંદ બારોટ.

– જુગલકીશોર

અરવિંદભાઈની રચનાઓમાં એમનો ભજનો સાથેનો લાંબો અનુભવ પ્રગટતો દેખાય છે. એમની રચનાઓમાં ઉડીને આંખે વળગતી બાબતોમાં –

૧) સાદા પણ તળપદા (અને એટલે જ કદાચ) બળુકા શબ્દો (વછોયાં, વિહોણાં, રૂંધાણાં, વેળા…),

૨) વાચકને ગાવા પ્રેરે તેવો લય,

૩) ભાવને પ્રગટ કરવા પ્રયોજાયેલા શબ્દોની સાર્થકતા અને મને સૌથી વધુ ગમતી વાત તે –

૪) રચનામાંના ભાવને વ્યક્ત કરવા માટેની સહજ ગોઠવણી ! એમની રચનાઓમાં ભાવપ્રાગટ્ય ચોક્કસ ક્રમે થાય છે જે રચનાને શીથીલ થવા દેતું નથી. (સામાન્ય શીખાઉ એટલે કે રચનાના સ્વરુપ પ્રત્યે અજાણ રહીને લખાણને પ્રગટ કરી દેતા રચનાકારોમાં કેટલીક સ્વરુપગત શીથીલતા જોવા મળતી હોય છે.)  

ઉપરોક્ત રચના એક મુક્તક છે. એનો ઢાળ ભજનનો છે. એનો ભાવ નિરાશાનો છે; (છતાં કોઈ ફરીયાદ આ પંક્તીઓમાં નથી.)

આ કાવ્યની રજુઆત કરનાર કોઈ એક વ્યક્તી નથી; ‘અમે’ એ આખી રચનાનામાંના કર્તાઓ છે, કહો કે આ એક સમુહગાન છે, નીરાશાનું, વીષાદનું.

મુળથી છુટાં પડી ગયેલાં ઝાડ, ડાળ વીનાનાં થઈ ગયેલાં પાન જેવી સ્થીતીમાં આવી પડેલાંઓની આ વાત છે. આ કોઈ દલીતોની એકલાની વાત નથી. સદીઓથી ચાલી આવતી પરંપરાના દાઝેલાંઓની એકલાની આ વાત નથી.

વેળાના, સમયના ઝંઝાવાતમાં સપડાઈને, વખતના ને વખાના માર્યાં જુદા પડી ગયેલાં, વીખુટાઈ ગયેલાં (ને છોડી દેવાયેલાં પણ ખરાં જ) એવાં તત્ત્વોની આ વાત છે. સર્જકે આ મુક્તકના નાનકડા કદમાં પણ ભાવને એવો ઘુંટ્યો છે કે એમાં રહેલો વીચાર મુખરીત થતો નથી ને તોય ભાવકને વીચારતો કરી મુકવા પ્રેરે છે.

પ્રથમ બે પંક્તીઓમાં વૃક્ષના પ્રતીકને આગળ કર્યું છે. નીરાશા–વીષાદના કારણરુપ “વેળાના વેરી વાયરા”ને છેલ્લે મુકીને સર્જકે કોઈના ઉપર જાણે કે દોષારોપણ કરવાનું ટાળ્યું છે ! ઝાડને મુળથી વછોયું કહ્યું અને પાનને પીળું કહીને “ડાળ વીનાનાં” છતાં વખતનાં માર્યાં કહીને પ્રથમમાં સમયના ઝંઝાવાતને અને બીજામાં સમયના વહેણને કારણરુપ ગણ્યું છે !

પછીની પંક્તીઓમાં સુર બદલાયો છે. 

“વેણ રે વિહોણી ઝીણી જીભડી” અને “કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન” – આ પંક્તીઓ દ્વારા જીભ અને ગાનને આગળ કરીને વ્યક્તીના શરીરરુપી સામાજીક અંગનાં બે ઉપકરણોની અસહાયતા વર્ણવી છે ! સમાજનું એક અંગ એવી કોઈ પણ વ્યક્તી પોતાનું અસ્તીત્વ જીભ અને કંઠ દ્વારા પ્રગટ કરે છે. સમાજને પોતાની કોઈ ફરીયાદ કે પોતાનો કોઈ જીવનઆનંદ વ્યક્ત કરવા માટે જીભ અને કંઠનો સહારો હોય છે. અહીં જીભને વેણ એટલે કે બોલ વગરની બતાવીને ફરીયાદ પણ ન કરી શકવાની મજબુરી બતાવી છે તો પોતાના જીવનમાં હોવો જોઈતો આનંદ વ્યક્ત કરવા માટેનાં ગાણાંને કંઠમાં જ અટકી ગયાની વાત કહીને જીવનના અલભ્ય લાભરુપ ગાનને કંઠ સુધી આવીને – મન મારીને અટકી પડેલું દર્શાવ્યું છે !!

અહીં સહેજે જ વાચકને આપણી સામાજીક (અ)વ્યવસ્થા કે રાજકીય અન્યાયનો અણસાર આવે આવે ત્યાં જ સર્જકે અંતીમ પંક્તીમાં આ બધી વેદનાને ‘વેળાના વાયા એવા વેરી વાયરા’થી સર્જાએલી બતાવીને ‘વેળા’ અને એના વેરી ઝંઝાવાતને કારણભુત બનાવી દીધાં છે !

‘અમે’ શબ્દથી સમાજના વીષાદથી ઘેરાયેલા એવા એક વર્ગની વેદનાને વાચા આપતું આ મુક્તક કેટલું ભાવસભર છે ! ગણીગાંઠી પાંચ જ પંક્તીઓમાં સર્જકે જે પ્રગટ કર્યું છે તે મહાનીબંધમાં પણ ન સમાવી શકાય એવું છે. (કાવ્યપદારથ એ સાહીત્યનું કોઈ સાધારણ સ્વરુપ નથી તે વાત અહીં સીધી સમજાઈ જાય છે. ગમે તેવાં, વીચારનાં કે ભાવનાં ગતકડાં ગોઠવી દેવાથી આ પદારથ સીદ્ધ થતો નથી. કાવ્યનું સર્જન સાધના માગી લે છે. તે વાત આ નાનકડું મુક્તક આપણને સમજાવે છે.)

હવે જોઈએ કેટલીક બાહ્ય બાબતો.

સર્જકે આ કાવ્યમાં વ્યક્તીને સમાજથી કપાઈ ગયેલો બતાવવા માટે જે વીશેષણો વાપર્યાં છે તે જુઓ : ચાર પંક્તીમાં એકના એક વીશેષણને બદલે દરેક માટે અલગ અને બહુ ભારજલો શબ્દ પ્રયોજ્યો છે !

મુળથી ‘વિછોયાં’, ડાળ ‘વિનાનાં’, વેણ ‘વિહોણી’ અને કંઠમાં ‘રૂંધાણાં’–રૂંધાયેલાં…..(રૂંધાણા શબ્દ અહીં ક્રીયાપદ નથી.)  

પાંચ પંક્તીની આ રચનામાં, પાંચેયમાં, તેમણે વર્ણનાં આવર્તનો બતાવ્યાં છે.

 ‘ડાળ રે વિનાનાં પીળાં પાન’માં ‘પ’; ‘વેણ રે વિહોણી ઝીણી જીભડી’માં વ અને જ–ઝ; ‘કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન’માં ગ તથા ‘વેળાના વાયા રે વેરી વાયરા…..’માં તો પંક્તીના બધા ચારેય શબ્દોમાં વનું જ વર્ચસ્વ !!

એક ઝીણી વીગત પણ નોંધવા રેખી છે !

સામાન્ય રીતે ગાનસ્વરુપ (ગીત)માં ત્રણ પંક્તીઓની એક કડી હોય છે. આમાંની પ્રથમ કડીને વચ્ચે વીરામ આપીને પંક્તીના બે ભાગ કરવામાં આવે છે. (છંદમાં એને યતિ કહે છે.) આ રીતે બે પંક્તીના વીરામને કારણે ચાર ભાગ પડી જાય છે.

જ્યારે ત્રીજી (હવે તેને પાંચમી પણ કહી શકાય) પંક્તીએ કડી પુરી થતી હોવાથી તેને ગીતના મુખડા (ધ્રુવપંક્તી)ના પ્રાસથી જોડીને મુળ વાત સાથે અનુસંધાન કરાય છે. (આ એક એવી વ્યવસ્થા છે જેને કારણે સર્જક મુળ ભાવ કે વીચારથી બહુ આઘોપાછો થઈ શકતો નથી !! ગીતમાં ભાવ કે વીચારની ગોઠવણી કે એનો પ્રાગટ્યક્રમ આ વ્યવસ્થાને કારણે જળવાઈ રહે છે. સર્જકની આ પણ એક કસોટી છે જેનો ઉકેલ આ ત્રીજી પંક્તીના ધ્રુવપંક્તી સાથેના પ્રાસ દ્વારા સર્જકને મળી રહે છે – જો દાનત હોય તો !!)

(કડીની પ્રથમ બે પંક્તીના ચાર ભાગ બતાવાયા છતાં તે બન્ને ભાગ એક જ છે તેનું ધ્યાન રહે તે માટે પંક્તીનો પુર્વાર્ધ અલ્પવીરામ વડે અને ઉત્તરાર્ધને અર્ધવીરામ દ્વારા છુટો બતાવાય છે…જેનું ઉદાહરણ આ મુક્તક પુરું  પાડે છે. જુઓ, ‘મૂળ રે વછોયાં અમે ઝાડવાં’, અહીં અલ્પવીરામ છે અને ‘ડાળ રે વિનાનાં પીળાં પાન’ પછી અર્ધવીરામ છે. એ જ રીતે “વેણ રે વિહોણી ઝીણી જીભડી, કંઠમાં રૂંધાણાં ગરવાં ગાન”માં  પણ એ જ યોજના થઈ છે.

શ્રી અરવિંદભાઈનું આ મુક્તક મને પહેલાં તો એમના કોઈ ગીતની એક કડી હશે તેમ લાગેલું. પરંતુ સ્વતંત્ર મુક્તકરુપેય તે કેટલું સઘન (ઇન્ટેક્ટ) છે ! આટલી ઓછી પંક્તીઓમાં ભાવને એમણે કેવો ઘુંટ્યો છે !! મુક્તકની આ જ તો વીશેષતા છે. અને એટલે હવે વીચારીએ કે તો પછી હાઇકુ જેવા નાનકડા સ્વરુપનાં તો વખાણ કરીએ એટલાં ઓછાં જ ને ?!

લાઘવ એ બધાં જ કાવ્યસ્વરુપોનું અ–નીવાર્ય અંગ છે અને હાઇકુ, મુક્તક, ઉર્મીકાવ્ય વગેરેમાં તો એ ખાસમ્ ખાસ !!

અસ્તુ.

(તા. ૧૭, ૦૭, ૧૯.)