ગુજરાતીઓ, “અમુલખ વસ્તુ જડી !!”

સહયોગીઓ !

આજે એક ચીજ જડી તેને સૌ સમક્ષ મુકવાનો લોભ જતો કરી શકતો નથી. ગાંધીજીના જીવન પર બહુ મોટી “જાદુઈ અસર” કરનાર અને તેમનું જીવન પરીવર્તીત કરી દેનારા પુસ્તકનું નામ આપણે સૌ જાણીએ છીએ –

જ્હોન રસ્કીનનું ‘અન ટુ ધિસ લાસ્ટ’ !!

આ પુસ્તકનો પ્રમાણભુત, સંપુર્ણ ને સુરેખ અનુવાદ અર્થશાસ્ત્ર અને ગાંધીવીચારના અભ્યાસી શ્રી ચિતરંજન વોરા દ્વારા થયો છે. જોકે ગાંધીજીએ પોતે જ તેનો સારાનુવાદ કરેલો જે સર્વોદય નામથી પ્રગટ થયેલો. તેમાંના ખાસ તો ચાર નીબંધો રસ્કિનના અર્થશાસ્ત્ર પરના છે ને જેને માટે ખુદ રસ્કિને કહેલું કે “આ ચાર નિબંધો મારાં આજ સુધીનાં તમામ લખાણોમાં સૌથી ઉત્તમ છે. આના જેટલું પ્રસ્તુત અને સુસંગત મારા હાથે હજુ સુધી બીજું લખાયું નથી કે આની પાછળની મહેનત જોતાં તો હવે પછી ભાગ્યે જ ફરી કદી આવું લખાશે.”

દોઢસો વર્ષ પહેલાં પ્રગટ થયેલા આ પુસ્તકના વીચારો આજે પણ એટલા જ પ્રસ્તુત અને સંગત છે. ટોલ્સ્ટોયે પણ રસ્કિન વીશે કહેલું કે, “જવલ્લે જ જોવા મળે તેવા આ માનવી હતા.”

શ્રી ચિતરંજન વોરા દ્વારા આ પહેલાં પણ આ અનુવાદ પ્રગટ થયો હતો પરંતુ આ વખતના આ અનુવાદમાં રસ્કિનના એક અન્ય પુસ્તક ‘સોનેરી નદીનો રાજા’નું ઉમેરણ પણ કરાયું છે ઉપરાંત રસ્કિનના વીચારોને નીરુપતો એક બૃહદ લેખ પણ તેમાં ઉમેરાયો છે !

ડેમી સાઈઝનાં ૨૪૦ પાનાંના આ પુસ્તકની અત્યારની કીંમત રુ. ૨૫૦/– ગણાય. છતાં તેની છાપેલી કીંમત તો ફક્ત રુ. ૧૫૦/– જ રાખવામાં આવી છે.

પરંતુ જુન માસના અંત સુધીમાં લેનારને તે પડતર કીંમતમાં જ (રુ. ૭૫/–માં !) તે મળી શકશે !! (રવાનગી ખર્ચ અલગ)

રવાનગી ખર્ચ એક નકલના રુ. ૨૫/– તથા વધારાની બીજી નકલો માટેના કૉપી દીઠ રુ. ૫/– મોકલવાના રહેશે. રકમ મ.ઓ; રોકડા કે ભુજ પેયેબલ ચૅક ડ્રાફ્ટથી અક્ષર ભારતીના નામે મોકલવાની રહેશે. (વીદેશોમાંનો ખર્ચ જે તે દેશો મુજબ)

સરનામું તથા ફોન નંબરો : અક્ષર ભારતી, ૫–રાજગુલાલ, વાણિયાવાડ, ભુજ (કચ્છ)૩૭૦૦૦૧.

ફોન : ૦૨૮૩૨ ૨૫૫૬૪૯ / ૨૩૦૧૪૩

પ્રજા–આંદોલન : (૧)

વાતાવરણને આંદોલીત કરવાનું ધર્મકાર્ય                          – જુગલકીશોર.

આંદોલન શબ્દ પોતે જ બતાવે છે કે તેનું કામ વાતાવરણને આંદોલીત કરવાનું છે. 

છ દાયકાથી ને ખાસ કરીને આત્માના અવાજને બહાને પોતાનાઓને જ છેહ દેવાની શરુઆત થઈ (નવાઈ તો એ છે કે આ મહાકાર્ય ગાંધીના શતાબ્દી વર્ષમાં જ થયું જેણે ‘ગાંધી’ અટકનું અવમૂલ્યન કર્યું !) ત્યાર બાદ ભ્રષ્ટાચારને કોઈ કરતાં કોઈ છોછ ન રહ્યો.

સમાજના પ્રશ્નોમાં ફક્ત વધારો થતો ગયો એટલું જ નહીં પણ એ પ્રશ્નોએ ડઠ્ઠરતાની ઉંચાઈઓ સર કરવા માંડી. પાંચ વર્ષે આવતી ચુંટણીઓમાં લોકવીશ્વાસ હતો તે ગયો. ને ખાસ કરીને પક્ષોના ગઠબંધનથી રચાતી સરકારોએ તો પ્રશ્નોને વકરાવી મુક્યા. લોકોને નહીં પણ આગેવાન ગણાતા લોકોને હાથમાં લઈને જે પીરામીડ બનતો ગયો તેમાં ઉપર રહેનારા માણસોની સંખ્યા પીરામીડના નીયમ મુજબ ઓછી હોવા છતાં એમના મસલ્સ અને મનીપાવરના વજનથી પીરામીડનો નીચલો થર દબાતો ગયો. એટલો બધો દબાયો કે બોલી પણ ન શકે એટલો ગુંગળાઈ ગયો !

આ બધાંની વચ્ચે ધર્મના નામે બાપુઓ–ગુરુઓએ પણ હાટડીમાંથી કોર્પોરેટ કક્ષાના મૉલ ખોલી નાખ્યા. ચેનલોએ એમાં પણ ફાળો આપ્યો. મીડીયાની તાકાત ‘સૌને’ ખ્યાલમાં આવી ગઈ ! ફક્ત લોકો જ એ સમજી ન શક્યા ! લોકોને ટીવીની ઘેન ચડાવનારી ચુઈંગગમ આપીને બેહોશ (કે મદહોશ ?) કરી દેવાયા.

કેટલાક પોતાને બુદ્ધીજીવી કે બુદ્ધીવાન કહેવા લાગ્યા ને સુધારા કરાવવાની સાથે સાથે સદીઓથી જેણે લોકશિક્ષણ કર્યું છે તેવા ધર્મને, અંધશ્રદ્ધાનું નામ આગળ કરીને, જે દોષીત નહોતો તે ભગવાનનેય સપાટામાં લઈને દેશવટો આપ્યો !! આ બુદ્ધીવાન લોકોએ, લોકોની સાચી વાતનુંય સમજ્યા વગર અવમુલ્યાંકન કરી નાખ્યું. બાકી હતું તે શિક્ષણમાં પણ ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. આમ સમાજના સૌથી મોટા અને મહત્ત્વનાં અંગોને એરુ આભડી ગયો.

આવા ગુંગળામણના સમયે જ્યારે કોઈ એકલદોકલ માણસ તાકાત બતાવીને સમુહને આકર્ષે તો એનીય કેવળ બુદ્ધી વડે ટીકા કરીને વીઘન નાખવાની રસમો થતી રહી. તાટસ્થ્ય એ કોઈ બુદ્ધીવાદનો ઈજારો નથી. અભણ માણસ પણ ખરા અર્થમાં તટસ્થ રહી શકતો હોય છે. આવા કહેવાતા અભણ માણસોએ સદીઓથી જે તાટસ્થ્યપુર્ણ વ્યવહારો આચર્યા છે તેમાંથી શીખવા જેવું ઘણું છે. 

ઉપવાસ સાવ શુદ્ધ હોઈ શકે કે કેમ તે પ્રશ્ન છે. ગાંધીજીના ઉપવાસો ‘પોતાના’ માણસોની ભુલો માટેના પ્રાયશ્ચીતના હતા. એટલે તે ઉપવાસો જાત માટેના જ કહેવાય. છતાં ક્યારેક એમાંય ત્રાગું  હોય તેવું લાગ્યા વીના રહેતું નથી. એટલે અણ્ણાજીએ કરેલા ઉપવાસને લેસર ઈવીલનો લાભ આપીનેય સમજવાની જરુર તો છે જ. રામ ભગવાન કહેવાય પણ ધનુષ્યને માફ કરી ન શકાય. ને છતાં જ્યારે અહીંસા શોધાઈ ન હોય તેવા સમયે એને હીંસક હથીયાર કહેવાને બદલે એક માત્ર હાથવગો ને અસરકારક  ઉપાય કહેવો ખોટો નહીં. “ઉપવાસો ન હોત તો જાડી ચામડી અણ્ણાને ગણકારેત ખરી ?” એવા સવાલની આડશ લઈને હું એને અવગણતો નથી છતાં જે થયું તેમાં આ ત્રાગાંનેય ન્યાય આપવામાં વાંધો નહીં એવી કામચલાઉ સમજણ ચલાવી લેવી રહી, બીજું શું ?!

અણ્ણાજી ભગવાન નથી. તેઓ ગાંધી પણ નથી (ને ગાંધી પણ ભગવાન નથી); છતાં ૬૫ વરસ સુધી કોઈ માયના લાલે જે નહોતું કર્યું તે કામ એમણે ૭૪ની ઉંમરેય કરી બતાવ્યું એને દાદ દેવાનું  તો ઘેર ગયું, પણ એને ખણખોદવું કે નીંદવું એમાં આપણી બૌધીક સ્થીતીનું પ્રદર્શન થતું જણાય છે. 

સૌને સલામ સાથે, જય આંદોલન !