આંદોલન કરવું અને અનુભવવું. (૨)

પ્રજા–આંદોલન : (૨)                                                              – જુગલકીશોર.

આંદોલન કરવું અને અનુભવવું એ બન્ને અલગ બાબતો હોવા છતાં એક જ સાથે બનતી હોય છે અને તે એકબીજામાં એટલી હળીમળી ગયેલી હોય છે કે જુદી પાડવી મુશ્કેલ બની રહે છે. આંદોલન કરનારા એકાદ–બે જ હોય છે પણ એમાં આંદોલીત થનારા લાખ્ખો હોય છે.

‘આંદોલીત થયેલાઓ’ ક્યારેક એટલી હદે એમાં ઈન્વોલ્વ થયેલા હોય છે કે તેઓ પોતાને ‘આંદોલનકર્તા’ માની શકે છે. આવું માનવું તે સાવ સહજ અને સાચું હોય છે. તેમાં કોઈ અતીશયોક્તી કે કશું અજુગતું ગણાય નહીં.

એવી જ રીતે આંદોલનકર્તા પણ આંદોલનને ‘અનુભવતા’ રહીને એમાં તટસ્થ રહેવાને બદલે ઈન્વોલ્વ થઈ જાય છે તેથી આંદોલનનું સંચાલન કરતાં કરતાં ભુલો પણ કરી બેસે છે !

ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગાંધીજી એકલા આંદોલનકર્તા નહોતા. ઐતીહાસીક રીતે જોઈએ તો એમના આવ્યા પહેલાં આંદોલન હતું જ. પણ ગાંધીજીએ એને જે નવો વળાંક આપ્યો, આંદોલનની જે નવી થીયરી આપી, એને માટેની જે પદ્ધતી આપી તેણે કરીને તેઓ એકમેવ નેતા બની શક્યા એટલું જ નહીં પણ એમનાથી મોટી ઉંમરના અને અનુભવીઓ પણ એમની ‘સાથે’ થયા ! ગાંધીજીએ નેતૃત્વ સંભાળ્યું પછી તેઓ એટલા બધા જાગ્રત રહ્યા હતા કે નાનીનાની બાબતોનેય ચકાસીને, અનેકને બતાવીને, સાધનશુદ્ધી કે લક્ષ્યશુદ્ધીને સતત નજર સમક્ષ રાખીને નીર્ણયો કરતા. કોઈનાથી ભાગ્યે જ દોરવાયા હશે.

લક્ષ્યશુદ્ધી (અર્જુનની જેમ પક્ષીની આંખ જ જોવી) જેમ ખુબ જરુરી હોય છે તેમ સાધનશુદ્ધી (આંદોલનની પદ્ધતી અને માર્ગો) પણ એટલી જ જરુરી હોય છે. મુસ્લીમોની બાબતે કે દલીત બાબતે એમની વાતોને જુદે રસ્તે વાળવાના પ્રયત્નો થયા ત્યારે તેઓ દુઃખી થયા છે પણ એમણે લક્ષ્યચુક થવા દીધી નથી. હીન્દના ભાગલા એ એમના શરીરનાં બે ઉભાં ફાડીયાં કરવા જેવી વાત હતી. આવા સમયે તેમને જે દુઃખ થયેલું તે સાધનશુદ્ધીના ભંગનું હતું. લક્ષ્ય તો સીદ્ધ થયું પણ “ગઢ તો આલા, મગર સીંહ ગેલા !” જેવું થયું હતું. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો સમય આવ્યો ત્યારે તેઓ નોઆખલીમાં હતા ! તેમની વેદનાની ખુબી જુઓ…લક્ષ્યપ્રાપ્તી થયા છતાં એને માણવાનો સમય કે વૃત્તી તેમની પાસે નહોતાં !!

આંદોલનના કર્તા અને સંચાલક હોવા છતાં તેઓ આંદોલન‘થી’ આંદોલીત થયા નથી ! તેઓ જ્યારે પણ ‘આંદોલીત થયા હશે ત્યારે તે ‘વાતને ઉંધે પાટે ચડાવવાને લીધે’ થયા છે. અહીંસા સાધન છે. સત્ય લક્ષ્ય છે. એમણે સત્યની જેટલું જ મહત્ત્વ અહીંસાને આપીને સાધનશુદ્ધીનું ગૌરવ અને એનો આગ્રહ બન્ને રાખ્યાં છે.

આપણા દેશે જે જે આંદોલનો જોયાં છે તેને આ દૃષ્ટીએ જોવાં જેવું છે. ચોરીચૌરાની એક ભુલ થતાં એમણે આખા દેશની વીરુદ્ધ જઈને ચળવળ પાછી ખેંચી હતી એટલું જ નહીં પોતે સમાજની નાડ પારખી નહીં હોવાની વાતને “હિમાલયન બ્લંડર” કહી છે !! આઝાદી પછીનાં આંદોલનો વખતે થયેલાં ખુન વખતે કોણે કોણે ને કેટલો પસ્તાવો કર્યો છે તેનો હીસાબ કરી શકાશે ?!

અણ્ણાજીના આ આંદોલનમાં “ભ્રષ્ટાચાર” અને “જનલોકપાલ બીલ” એ બે જુદાં જુદાં લક્ષ્યો હતાં એવું કહેવાય છે. પણ ભ્રષ્ટાચારને જ લક્ષ્ય માનીએ તો લોકપાલ બીલ તો લક્ષ્યસીદ્ધીનું પ્રથમ પગથીયું જ ગણાય. મોંઘવારી નાબુદી કે બીજાં હજાર કામો પણ ભ્રષ્ટાચાર વીરુદ્ધની જ બાબતો છે. એટલે, આવી ઝીણીઝીણી ચકાસણી ન થાય તો તેવે સમયે લોકોમાં મુંઝવણ થાય. આંદોલનમાં અરાજકતા ફેલાય. (અને આંદોલનવીરોધીઓને તો એ જ કરવું હોય છે !!)

દેશના આબાલવૃદ્ધ સૌ કોઈ અણ્ણાજી સાથે થયા, રહ્યા અને સૌથી મોટી વાત તે અહીંસક રહ્યા તેનું મહત્ત્વ તો જેટલું આંકીએ એટલું ઓછું જ છે. ઉપવાસ વધુ ચાલ્યા હોત તો કોઈ ને કોઈએ તો આગનું ડુંભાણું કર્યું જ હોત !! દેશના અનુભવીઓને આ વાતની ખબર હતી. લોકસભામાં પણ વીરોધીઓ અને સત્તાધીશોની અનુભવી સુઝને કારણે એમણે બહુ સારપથી આ શક્યતાને બુઠ્ઠી કરી નાખી.

આંદોલનનો પ્રથમ હપ્તો પુરો થયો. “આંદોલનકાર” તો ક્યારેય ઢીલા પડવાના નથી પરંતુ “આંદોલીત’ થનારાંઓ”નું એટલું ખાત્રીપુર્વક કહી શકાશે ખરું ?!!