‘નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન !’ (પ્રજા–આંદોલન : ૩)

લક્ષ્ય અને લક્ષ–ક્ષમતા.                                                                  – જુગલકીશોર.  

લક્ષ્ય એટલે નીશાન, ટાર્ગેટ, હેતુ. લક્ષ એટલે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરુરી કાળજી, જાગૃતી, ધ્યાન રાખવું કે ચૌકન્ના રહેવું તે. 

ગાંધીજીએ દેશમાં આવીને સૌ પ્રથમ કાર્ય ગોખલેજીના સુચન મુજબ દેશનો પ્રવાસ કરવાનું કર્યું. આ પ્રવાસ એ એમના આવી રહેલા આંદોલનકાર્યોના આયોજન માટેનું હોમવર્ક હતો. આ એક વરસનું દેશભરનું તેમનું પર્યટન એટલે આવનારાં આંદોલનોના આયોજન માટેની પુર્વભુમીકા ! આંદોલનો પુરા અભ્યાસ વીના કરાય નહીં તે સુચન આ પ્રવાસમાંથી આપણને સાંપડે છે. 

આંદોલનની બીજી અત્યંત મહત્ત્વની બાબત બાપુએ કહી ને કરી બતાવી તે માગણી અંગેની ચોક્ક્સાઈ સહીતની પ્રામાણીકતા. જેમની સામે આંદોલન કરવાનું છે તેમને સૌ પ્રથમ તો પોતાની વાજબી માગણીઓથી વાકેફ કરવાના હોય છે. માગણી પણ પુરતો અભ્યાસ કરીને કરવાની હોય છે. એનો ઉત્તમ દાખલો અમદાવાદના મજુરોની હડતાલમાં જોવા મળે છે. ગાંધીજીએ અમદાવાદના મીલમજુરોના પગાર નીમીત્તે હડતાલ પાડી તેની પહેલાં મોંઘવારી અંગેની સંપુર્ણ તપાસ કરાવીને, એને પુરેપુરી સમજી લઈને કેટલું મળવું જોઈએ તેની તટસ્થ ગણતરી કરી હતી. આંકડો તો યાદ નથી પણ જે રકમ નક્કી થઈ તેમાં થોડો ઉમેરો કરીને થોડી વધુ રકમની માગણી કરવાની ભલામણ કેટલાક સાથીઓએ કરી ત્યારે ગાંધીજીએ બહુ મજાની વાત કરેલી. આંદોલન કરવાનું છે તે તપાસ કરીને પછી યોગ્ય માગણીનું જ કરવાનું હોય છે. આંદોલન કે સત્યાગ્રહમાં બાંધછોડનો અર્થ આપણી જ શક્તીમાં આપણો અવીશ્વાસ ! શા માટે બાંધછોડ ? પુરી તપાસ કરીને કરાયેલી માગણી જ મુકવાની હોય અને તેટલી જ લેવાની હોય, નહીં વધુ, નહીં ઓછી. 

માગણી મુકાઈ હોય તેના કરતાં વધુ લેવું એટલે લક્ષ્ય બાબતે આપણી અપ્રામાણીકતા અને ઓછું સ્વીકારવું એટલે આપણા આત્મવીશ્વાસને અને લોકોને છેતરવા !! 

આંદોલનની પહેલાં તેના હેતુઓ નક્કી થઈ જવા જોઈએ અને પછી એ હેતુને (લક્ષ્યને) વફાદાર રહેવું જોઈએ. એને માટે આંદોલનકારીઓનું લક્ષ ચુકાવું ન જોઈએ. લક્ષ બે રીતનાં હોય. એક તો માગણી અંગેની સ્પષ્ટતા અને બીજું આંદોલનમાં કોઈ અન્ય તત્ત્વો ઘુસી જઈને આપણા લક્ષ્યને કે લક્ષને ચળાવી ન મુકે તે. આગળના લેખમાં કહેલું તેનું અહીં પુનરાવર્તન કરીને કહું તો આંદોલન કરનાર પોતે આંદોલીત ન થઈ જાય કે કોઈની શેહમાં ન આવી જાય અને પોતાનું લક્ષ કેવળ અને કેવળ નક્કી કરેલા લક્ષ્ય તરફ જ રાખે. કારણ કે આંદોલન એ કોઈ રમત નથી. એની શરુઆત કરનાર એકલદોકલ હોય પણ તેમાં જોડાનારાં હજારો ને લાખો હોય છે. વળી એનો લાભ પણ મોટા વર્ગને મળવાનો હોય છે. તેથી આંદોલનકારી વ્યક્તી પોતે આંદોલીત થઈ ન જાય તે જોવાનું રહ્યું. 

આ રીતે જોઈએ કોઈ પણ આંદોલનને પોતાનું આગવું લક્ષ્ય હોય જ. હેતુ વીના કોઈ આંદલન થાય નહીં અને થાય તો તે લગભગ તોફાનકક્ષાની જ કોઈ પ્રવૃત્તી ગણાય. શાંત જળમાં કોઈ પથરો નાખે ને જેમ કુંડાળાં થાય તેવી જ રીતે કોઈ સામુહીક પ્રવૃત્તી શરુ થઈ જાય તેમ બને. પણ એ કુંડાળાંને કોઈ પ્રવૃત્તીનું નામ આપી શકાતું નથી. 

આવાં કુંડાળાં પણ જુદીજુદી જગ્યાનાં જુદાંજુદાં હોય છે. પાણીનો જથ્થો કુવામાં, સરોવરમાં, નદીમાં અને સાગરમાં જુદીજુદી જાતનો હોય છે. કુવા ને સરોવરમાં ખાસ તો કદની જુદાઈ હોય છે, જ્યારે નદીમાંનો પાણીનો જથ્થો અને સાગરમાંનો જથ્થો અલગ ભાતનો હોય છે. નદીને તો વહેવાનું જ લક્ષ્ય હોઈ એમાં તરંગો ઉત્પન્ન કરવા જતાં કુંડાળાં થાય તેય ક્ષણીક ને તુટક તુટક હોય. એને કુંડાળાં – આંદોલન – કહેવાં હોય તોય ન કહી શકાય. સાગર તો પોતે જ સતત આંદોલીત હોય છે. એમાં પથરો નાખવાની ચેષ્ટા ચાઈલ્ડીશ જ કહેવાય. એનો કોઈ હેતુ તારવી શકાય નહીં. 

સમાજ–જળની શાંતી રામરાજ્યમાં હતી તે એક પ્રકારની અને સરમુખત્યારોના રાજ્યોમાં હોય છે તે જુદા પ્રકારની ગણવાની હોય છે. ભારત જેવા લોકશાહી દેશમાં તો સ્વરાજ્યની પ્રાપ્તી જ લોહીલુહાણ હતી. સ્વાતંત્ર્ય માટેની ચળવળ અહીંસક કહી શકાય તેવી ખરી પણ અહીંસાના માર્ગે મળેલી સ્વંત્રતાના આરંભે જ દેશને હીંસાનો એરુ આભડી જવાથી લોકશાહીરાજ્યનું ઉદ્ઘાટન હીંસાની રીબીન ‘કાપી’ને થયેલું ! અને ૬૪ વરસ દરમીયાન જે લોકશાહી ‘વ્યવસ્થા’ રહી તેમાં બાપુએ સેવેલી રામરાજ્યની કલ્પનામાંથી પ્રજાનું ધીમેધીમે પણ મક્કમ ગતીએ અવમુલ્યન થતું રહ્યું. લોકશાહીમાં લોકના ‘પ્રતીનીધીઓ’ સર્વોચ્ચ ગણાતા થયા. “લોકોએ જ” ઘડેલું બંધારણ સર્વોચ્ચ ગણાવાને બદલે પ્રતીનીધીઓ સર્વોચ્ચ અને સર્વેસર્વા ગણાવા માંડ્યા. આ પ્રતીનીધીઓ પોતાને તો સર્વોચ્ચ કહેવડાવી શકે નહીં તેથી લોકસભાને આગળ કરીને એની આડશે પોતે જ સર્વોચ્ચ બની રહ્યા. 

આ આખી પરીસ્થીતી પોતાને રામરાજ્ય કે લોકશાહી રાજ્ય કહેવડાવવામાંથી સદંતર ગઈ. ગરીબીને આપણો પ્રાણપ્રશ્ન ગણીને આઝાદીના આરંભથી જ એનાં કારણો ને ઉપાયો માટે સમીતીની સમીતીઓ નીમાતી જ રહી. પંચવર્ષીય યોજનાઓમાંય એને સ્થાન મળ્યું પણ ઉપાયો ફક્ત વીચારવાનો જ મુદ્દો રહ્યા…એના અમલીકરણ તરફ ધ્યાન રખાયું જ નહીં. ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં ‘ગરીબી હટાવો’નો નારો ચુંટણીઓ જીતવાનો એક કારસો માત્ર બની ગયો ! ગરીબી તો આજેય જેમની તેમ છે; હા, ગરીબો હટ્યા ખરા કુપોષણ, અન્યાય કે આત્મહત્યાઓ દ્વારા ! 

ખરેખર તો ગરીબી હટાવ કરતાંય મોટી જરુરીયાત નીરક્ષરતા હટાવવાની હતી. દેશની બહુમતીને અભણ રાખીને દેશના સંચાલકોએ બહુ મોટી સફળતા લણી લીધી. આજ સુધી – સાડા છ દાયકા પછી પણ – તંદુરસ્તીથી જીવતી રહેલી આ દેશની પ્રજાની નીરક્ષરતાએ રાજકીય લાભો અંકે કરી આપ્યા છે. અભણપણું, બેકારી, હલકાં મનોરંજન, વર્ગવીગ્રહો, જ્ઞાતી ને જાતીના ભેદભાવો વગેરે બધાં જ અનીષ્ટો રાજકીય લાભો ખાટવા માટેની બારીઓ બની રહ્યાં છે. જેને આપણે ‘અનીષ્ટો’ કહીએ તે ખરેખર તો રાજકીય નેતા નામની નવી ઉભી થયેલી જ્ઞાતી માટે ફળાઉ ઝાડ છે ! આ અનીષ્ટો જે દીવસે હટશે તે દીવસ રામરાજ્યના આરંભનો હશે એવું આશ્વાસન લઈ શકાય. 

આંદોલનોની સફળતા કે નીષ્ફળતા ઘણી વાર છેતરામણી હોય છે. સફળ થયું લાગતું આંદોલન ખરેખર સફળ થયું છે કે એ માત્ર સફળતાનો વહેમ છે તેની ખબર બધાંને બધી વખત પડતી નથી !! 

અસ્તુ.

સંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા.

– જુગલકીશોર.

સંસ્થાઓ અનેક પ્રકારની હોય છે. સંસ્થાના સ્થાપક દ્વારા કોઈ ચોક્કસ હેતુ કે હેતુઓ માટે થઈને એની સ્થાપના થઈ હોય છે. આ સંસ્થાઓમાં કેન્દ્રસ્થાને એના સ્થાપકો હોય અને તેના સંચાલનમાં પણ તે સ્થાપકોનું મહત્ત્વ હોય તે સહજ છે. પરંતુ સંસ્થાનું લક્ષ્ય હેતુસીદ્ધી જ ગણાય અને તે હેતુસીદ્ધી માટે થઈને જ સર્વ રચના–યોજના–સંચાલન થાય તે અનીવાર્ય હોય છે.

સ્વાભાવીક છે કે જ્યાં સુધી સ્થાપકોની ઉપસ્થીતી હોય ત્યાં સુધી સંચાલન તેમના હાથમાં રહે. સ્થાપકો પોતે જ આગળ જતાં સંચાલકોની નવી પેઢી તૈયાર કરીને પોતે સ્વેચ્છાએ નીવૃત્તી લે તો તેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય. એનાથી બે લાભો મળે છે. એક તો, નવી પેઢીને તૈયાર કરવાનો અવસર સ્થાપકોને મળી રહે છે અને બીજો લાભ એ છે કે સ્થાપકો કે જેઓની દૃષ્ટી સમક્ષ મુળભુ હેતુઓ સચવાયેલા હોય છે તેને ધ્યાનમાં રાખીને બીજી પેઢીમાં પણ તે હેતુઓ કેન્દ્રસ્થાને રખાવી શકાય છે.

સંસ્થાના લાંબાગાળાના અસ્તીત્વ માટે હેતુસીદ્ધી અનીવાર્ય હોઈ સંચાલકોમાં હેતુસીદ્ધીનું લક્ષ્ય સચવાઈ–જળવાઈ રહે તે પણ ખુબ જ જરૂરી છે. સંસ્થાના અસ્તીત્વ માટે છેવટે તો સંચાલકો કરતાંય વધુ મહત્ત્વનું છે તે હેતુઓનું જળવાઈ રહેવું. કારણ કે સંસ્થાના સ્થાપકો–સંચાલકો–વ્યવસ્થાપકો તો અનિવાર્યપણે બદલાતા જ રહેવાના છે. વ્યક્તી કાયમી નથી, જ્યારે હેતુ તો અનીવાર્યપણે કાયમી હોય છે.

અલબત્ત સંસ્થાઓમાં સમયને અનુરુપ કેટલાક ફેરફારોની આવશ્યકતા હોય જ. સમયનો પ્રવાહ સમાજની માંગમાં ફેરફારો લાવે છે; નવીનવી શોધખોળો દ્વારા સાધનો અને માધ્યમો –કાર્યપદ્ધતીઓમાં પરીવર્તનો જરુરી બનાવે છે અને એ રીતે સંસ્થાઓના બાહ્યસ્વરુપમાં કેટલાક ફેરફારોને અનીવાર્ય બનાવી દે છે. જોકે મુળભુત હેતુઓને કોઈ ખાસ અસર ઉપરોક્ત કારણોસર થતી નથી. ઘણી વાર આવા અનીવાર્ય બાહ્યફેરફારોને લીધે સંસ્થા બદલાઈ ગઈ હોય તેવો ભાસ પણ કેટલાકને થાય, છતાં હકીકતે એવું હોતું નથી. લક્ષ્યશુદ્ધી હોય છે ત્યાં સુધી હેતુસીદ્ધીને કોઈ તકલીફ રહેતી નથી. સમયનો પ્રવાહ ભલે બાહ્ય ફેરફારો લઈ આવે, પણ મુળભુત હેતુ તરફનું લક્ષ જ્યાં સુધી અચુક રહે છે ત્યાં સુધી સંસ્થાનો પ્રાણ એવા હેતુઓ ટકી રહે છે.

સવાલ છે તે લક્ષ્ય તરફનું લક્ષ. લક્ષ્ય સ્થીર અને કાયમી છે પરંતુ તે તરફ લક્ષ આપનાર વ્યક્તી કાયમી નથી. અરે, એક જ વ્યક્તીનું લક્ષ પણ આજે છે તે કાલે ન પણ રહે. વ્યક્તી પોતે જ એક સંકુલ રચનાનો ભાગ છે. એનાં મન–વીચાર–કર્મમાં સુક્ષતમ ફેરફારો સહજ થતા રહે છે. પરીણામે લક્ષ ક્યારેક કાં તો સહેજ ઘટે છે કે ક્યારેક ચુકાય છે. આ ક્યારેક ક્યારેક ઘટવા–ચુકાવાની ગતીવીધીઓ દરમીયાન જ સંચાલક વ્યક્તીની આસપાસ વીંટળાયેલી વ્યક્તીઓ કે પરીસ્થીતીઓ નાનીમોટી બખોલો તૈયાર કરી નાખે છે, કે ક્યારેક નવી લપસણી કેડી તૈયાર કરી આપે છે. આ લક્ષ–શીથીલતા સંચાલકોના ફેરબદલા વખતે તો ખાસ્સી વધી જતી હોઈ લક્ષ્ય સુદ્ધાંને ન સુધરી શકે તેવું નુકસાન કરી બેસે છે.

સ્થાપકો, નવી પેઢીના સંચાલકો, સમયના પ્રવાહો, વીજ્ઞાનની શોધખોળો/સગવડો, સમાજની બદલાતી રહેતી માંગ, સાધનો/પદ્ધતીઓમાંના ફેરફારો અને આ સૌની ઉપર, સૌથી મહત્ત્વનું તે લક્ષ સંસ્થાઓનું ભવીષ્ય ઘડે છે. સ્થાપકની હયાતીનો સમય–ગાળો, તેની લક્ષ્યલક્ષી નીર્ધારીતતા–અડગતા, સમજપુર્વકની નીવૃત્તી અને નવી પેઢીને કાર્યસોંપણી વગેરે દ્વારા સ્થાપકો પોતાની હયાતી ઉપરાંત બીજી પેઢી સુધી પણ સંસ્થાને લક્ષ્યસીદ્ધ રાખી શકે છે.

પરંતુ એની લક્ષ્યલક્ષીતા કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી બીજી પેઢી સાચવી–જાળવી શકશે તે બહુ મોટો અને ચીંતાભર્યો સવાલ છે.

ઘણી વાર તો ઘણીબધી પેઢીઓ વહી જાય છે. સંસ્થા અને વીચાર જાણે મર્યાં કે મરશે એવી ભીતી અનુભવાય છે. શું સામાજીક વ્યવસ્થાઓ, શું ધાર્મીક સંસ્થાઓ/સંપ્રદાયો કે શું રાજકીય વ્યવસ્થાતંત્રો – બધાંને આ ચીંતાભર્યા સવાલો ભોગવવાના આવે છે જેના જવાબો આપવાનું સહેલું નથી હોતું.

છતાં સમયની એ પણ બલીહારી (કોઈ એને ઈશ્વરકૃપા કહે કે કુદરતની લીલા) છે કે, આ સંસ્થા, વીચાર, પંથ કે સંપ્રદાયને ક્યારેક અણધારી રીતે મુળભુત હેતુઓને અનુકુળ–અનુરુપ કોઈ વ્યવસ્થા મળી રહે છે; કોઈ વ્યક્તીજુથ સાંપડી રહે છે કે કોઈ સીદ્ધહસ્ત, ચોટડુક લક્ષક્ષમ, લક્ષ્યવેધી મળી આવે છે જે સમયાંતરે વીગલીતલક્ષ્ય બનેલ સંસ્થાને, વીચારને, કે સંપ્રદાયને નવેસરથી પાટા પર લાવી દે છે. આને કહેવો હોય તો ચમત્કાર કહી શકાય. પણ એ શક્ય છે, સહજ પણ હોઈ શકે છે.

આપણે શીક્ષણના માણસો ચારેબાજુથી ઘેરાએલાં હોઈએ છીએ. ‘ઘેરાએલાં’ એ અર્થમાં કે શીક્ષણ પોતે જ જીવનનાં બધાં પાસાંની સાથે સંબંધ ધરાવે છે. જીવનનું કોઈ એકાદ પાસું પણ કોરાણે રાખીને શીક્ષણ સાર્થક કહેવાતું/થતું/ રહેતું નથી. એ બધાં જ જીવનપાસાંથી ઘેરાએલું છે એમ કહેવું તેના કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે, શીક્ષણ પોતાની આસપાસનાં બધાં જ અંગોને સ્પર્શનારું, એનાથી વીંટળાયેલું હોય છે. શીક્ષણનો આંશીક સ્પર્શ પણ જે–તે પાસાને, અંગને, પ્રકાશ આપવા સક્ષમ હોય છે. એ આ બધાં અંગોથી ઘેરાએલું રહે એમાં જ એની સાર્થકતા છે.

અને એટલે જ શીક્ષણની સંસ્થા સ્થાપવાનું કામ કાચાપોચાનું નથી. બીજી પ્રવૃત્તીઓ કરતાં કરતાં શીક્ષણસંસ્થા ચલાવવી શક્ય નથી. ફૅક્ટરી ચલાવવા માટે શ્રમીકો, સુપરવાઇઝરો, મેનેજરો, મશીનો અને ક્વૉલીટીકંટ્રોલ વીભાગ વગેરે હોય તો ઘેરબેઠાં પૈસા પુરા પાડીને તે ચલાવી શકાય છે. કારણ કે એનું લક્ષ્ય વેપાર–ઉદ્યોગ “ચલાવવાનું” હોય છે. એના દ્વારા પૈસો રળવાનો હોય છે. ઉદ્યોગપતીનું લક્ષ્ય આમ, સાંકડું અને મર્યાદીત હોય છે. એટલે બહાર રહીને, અન્ય કાર્યો કરતાં કરતાં તેના પર લક્ષ આપી શકાય છે. જ્યારે શીક્ષણસંસ્થાનું લક્ષ્ય અત્યંત સંકુલ, અત્યંત સુક્ષ્મ અને અનેકવીધ પરીણામોને પ્રાપ્ત કરવા તાકનારું હોય છે. એ કોઈ એકાદ પક્ષીની એકાદ આંખ વીંધવા પુરતું નથી હોતું.

શીક્ષણનું લક્ષ્ય વીદ્યાર્થી છે; તેનું કુટુંબ છે; સમાજ પણ છે અને સમગ્ર જીવનવ્યવસ્થા પણ છે. આ બધાંને પહોંચવા માટે કેન્દ્રીત થતું ધ્યાન – લક્ષ – સાધારણ હોઈ શકે જ નહીં. શીક્ષણક્ષેત્રનો માણસ અસાધારણ લક્ષક્ષમ હોય, એની ધ્યાનકેન્દ્રીતતા યોગીની નહીં પણ શતાવધાનીની હોય. ધ્યાનમાં મનને એક વીષય પર કેન્દ્રીત કરવાનું હોય છે. સમાધીની ઉચ્ચોચ્ચ સ્થીતી તો નીર્વીકલ્પતાની હોય છે. જ્યારે શતાવધાની તો સો કેન્દ્રો ઉપર એક સાથે કેન્દ્રીત રહે છે. આ વીકેન્દ્રીત થતું લાગતું ધ્યાન – લક્ષ – ને “નહીં કેન્દ્રીત” એ અર્થમાં નહીં લેતાં “વીશેષ કેન્દ્રીત” કે “વીવીધ કેન્દ્રી” એ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી જ શીક્ષણસંસ્થાના સ્થાપક કે સંચાલકે સંસ્થામાં રહીને જ, એમાં સર્વાંગ સમર્પીત થઈને કાર્ય કરવાનું રહે છે.

કોઈ પણ સંસ્થાના સ્થાપકે પોતાની હયાતીમાં નવી પેઢીને તૈયાર કરવાનું; નવી પેઢીના સંચાલકે આવી મળેલી કામગીરી–જવાબદારી પ્રત્યે પુરતું લક્ષ આપીને લક્ષ્યસંધાન અકબંધ રાખવાનું; સમયના પ્રવાહોને સાચવતાં રહીને અનીવાર્ય ફેરફારો કરતાં છતાં મુળભુત હેતુઓની સીદ્ધી માટે મથતાં રહેવાનું હોય છે.

અને એમ જ, સૌએ પછીની પેઢીને પણ લક્ષ્યલક્ષીતા સહીતનું બધું જ સોંપીને સ્થાપકોને પરમ સંતોષ પહોંચાડવાનો હોય છે.